02 September, 2026 09:11 AM IST | Karachi | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનની ટેસ્ટ-ટીમના હેડ કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ કોચ ઉમર ગુલ.
યજમાન ટીમ ઇંગ્લૅન્ડે પાકિસ્તાન સામેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ પર ૨-૦થી કબજો કર્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની વર્તમાન સીઝનની સૌથી તળિયાની ટીમ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે ચોંકાવનારો નિર્ણય લીધો છે. નવ સપ્ટેમ્બરે એજબૅસ્ટનમાં ત્રીજી ટેસ્ટ-મૅચ શરૂ થાય એ પહેલાં ૭ ખેલાડીઓને પાછા બોલાવીને ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે પાંચ અનકૅપ્ડ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
ઇન્જરી અને ખરાબ પ્રદર્શનને જોતાં પાકિસ્તાનની ટેસ્ટ-સ્ક્વૉડમાંથી મોહમ્મદ રિઝવાન, ઇમામ-ઉલ-હક, સલમાન અલી આગા, અલી ઉસ્માન, આમિર જમાલ, અવૈસ ઝફર અને ખુર્રમ શહઝાદને ઇંગ્લૅન્ડ ટૂર પરથી બહાર કરીને પાકિસ્તાનમાં પાછા બોલાવી લેવામાં આવ્યા છે. રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ન રમેલા પાંચ ખેલાડીઓ અરફાત મિન્હાસ, મોહમ્મદ ઇમરાન જુનિયર, સાદ બેગ, મોહમ્મદ ઇમરાન રંધાવા અને રઝાઉલ્લાહને પહેલી વખત સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યા છે. સૈમ અયુબ અને અબ્દુલ્લા ફઝલ પણ ટીમમાં આવ્યા છે જેમની પાસે ફક્ત ૧૦ ટેસ્ટ-મૅચનો સંયુક્ત અનુભવ છે.
સૌથી વિચિત્ર વાત તો એ છે કે પાકિસ્તાનની ટેસ્ટ-ટીમના હેડ કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ કોચ ઉમર ગુલને પદ પરથી થોડા સમય માટે હટાવવામાં આવ્યા છે. તેઓ ઇંગ્લૅન્ડ ટૂર ટીમની સાથે રહેશે. ત્રીજી ટેસ્ટ-મૅચમાં વાઇટ-બૉલ ટીમનો હેડ કોચ માઇક હેસન અને બોલિંગ કોચ ઍર્શ્લી નોફકે ટેસ્ટ-ટીમને કોચિંગ આપશે.