બંગલાદેશ ટેસ્ટ-ટૂર માટે સરફરાઝ અહમદ પાકિસ્તાન ટીમનો હેડ કોચ નિયુક્ત થયો

19 April, 2026 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ અસદ શફીક અને ઉમર ગુલ બૅટિંગ-બોલિંગ કોચ બન્યા

સરફરાઝ અહમદ

પાકિસ્તાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે આવતા મહિને બંગલાદેશમાં બે ટેસ્ટ-મૅચ રમવા જશે. આ ટેસ્ટ-ટૂર માટે પાકિસ્તાનના ચૅમ્પિયન્સ ટ્રોફી વિજેતા કૅપ્ટન સરફરાઝ અહમદને ટેસ્ટ-ટીમનો હેડ કોચ નિયુક્ત કરવામાં આવ્યો છે. તેણે થોડા સમય પહેલાં અન્ડર-19 એશિયા કપ ટાઇટલ જીતનાર પાકિસ્તાની ટીમમાં મેન્ટરની ભૂમિકા ભજવી હતી. પહેલી વખત સિનિયર ટીમના કોચિંગની જવાબદારી મેળવનાર ૩૮ વર્ષના સરફરાઝ અહમદે હાલમાં જ નિવૃત્તિ જાહેર કરી હતી. તેના ભૂતપૂર્વ સાથી પ્લેયર્સ અસદ શફીક અને ઉમર ગુલને પણ આ ટેસ્ટ-ટૂરના કોચિંગ-સ્ટાફમાં સામેલ કર્યા છે. ૪૦ વર્ષનો ભૂતપૂર્વ ટૉપ-ઑર્ડર બૅટર અસદ શફીક હાલમાં મેન્સ અને વિમેન્સ ટીમની સિલેક્શન કમિટીનો ભાગ હતો. તેણે અગાઉ ક્યારેય કોચિંગની ભૂમિકા નિભાવી નથી. ૪૩ વર્ષનો ઉમર ગુલ પાકિસ્તાનની પુરુષોની વાઇટ-બૉલ ટીમો સાથે આ ભૂમિકામાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. બંગલાદેશ ટૂર પર શાન મસૂદની આગેવાની હેઠળની સ્ક્વૉડમાં ચાર નવોદિત પ્લેયર્સને સામેલ કરવામાં આવ્યા છે.

pakistan bangladesh cricket news sports news sports