પાકિસ્તાન સરકારે શ્રીલંકાની મેન્સ ક્રિકેટ-ટીમની સુરક્ષા આર્મીને સોંપી

15 November, 2025 03:53 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ઇસ્લામાબાદના બૉમ્બવિસ્ફોટ બાદ જીવના જોખમ અને ડર વચ્ચે શ્રીલંકન ટીમ ક્રિકેટ રમવા મજબૂર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવી શ્રીલંકા અને પાકિસ્તાનના પ્લેયર્સને પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન સુરક્ષાની ખાતરી આપવા આવી પહોંચ્યા હતા.

ઇસ્લામાબાદમાં થયેલા બૉમ્બ-વિસ્ફોટ બાદ પાકિસ્તાન સરકારે મહેમાન શ્રીલંકન ટીમની સુરક્ષા પાકિસ્તાનનાં સશસ્ત્ર દળોને સોંપી દીધી છે. સેના, રેન્જર્સ અને પોલીસ હવે પ્લેયર્સની સુરક્ષામાં તહેનાત હશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવીએ ગુરુવારે રાતે બન્ને ટીમના પ્લેયર્સ સાથે રાવલપિંડી સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મુલાકાત લીધી હતી.  રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને મળે એવી સુરક્ષા વચ્ચે બસથી હોટેલ-સ્ટેડિયમ વચ્ચેની સફર કરતા ટીમના કાફલાના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

પાકિસ્તાનના લશ્કરી વડાએ ઘરઆંગણાની ક્રિકેટ-સિરીઝ રદ થતી બચાવી
૨૦૦૯માં લાહોરમાં શ્રીલંકાની ક્રિકેટ-ટીમ પર આતંકવાદી હુમલો થયો હતો એથી ઇસ્લામાબાદના બૉમ્બ-વિસ્ફોટ બાદ વર્તમાન શ્રીલંકન ટીમના મોટા ભાગના સભ્યોએ ઘરે પાછા ફરવાની અપીલ કરી હતી. જોકે પાકિસ્તાનના લશ્કરી વડાના હસ્તક્ષેપથી પાકિસ્તાનમાં આયોજિત ક્રિકેટ-સિરીઝ રદ થતી બચી છે. પાકિસ્તાનના ગૃહમંત્રાલયે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે શ્રીલંકાના ટોચના અધિકારીઓ અને પ્રધાનો સાથે વાતચીત કરીને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. ઝિમ્બાબ્વેની ટીમ પણ ત્રિકોણીય સિરીઝ માટે પાકિસ્તાન આવી ગઈ છે.’
શ્રીલંકન પ્લેયર્સને નવેમ્બરના અંત સુધી વન-ડે સિરીઝ અને ત્રિકોણીય સિરીઝ જીવના જોમખ અને ડરના માહોલ વચ્ચે રમવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. અહેવાલ અનુસાર શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ઘરે પાછા ફરવા આતુર પ્લેયર્સ સહિત આખી ટીમને સિરીઝ રમવા માટે રહેવા ધમકાવ્યા હતા. બોર્ડનો નિર્દેશ ન માનનાર પ્લેયર્સ પર પ્રતિબંધ મૂકવાની ધમકી પણ આપવામાં આવી હોવાના અહેવાલ છે.

pakistan sri lanka islamabad rawalpindi lahore asim munir cricket news sports news sports