05 November, 2025 11:04 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
મોહસિન નકવી
એશિયા કપ જીત્યા બાદ પાકિસ્તાનના મોહસિન નકવીના હાથે ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાની ના પાડતાં તેઓ ટ્રોફી લઈને જતા રહ્યા હતા અને હજી સુધી એ તેમની કસ્ટડીમાં જ રાખી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ તેમના આ અક્કડ વલણથી ભારે ગુસ્સામાં છે અને ગઈ કાલથી દુબઈમાં શરૂ થયેલી ICC મીટિંગમાં મોટા મુદ્દાની યોજના બનાવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના આક્રમક વલણથી નકવી ડરી ગયા છે એથી કદાચ આ મીટિંગમાં ન પણ આવે. નકવી પાકિસ્તાન સરકારમાં ઇન્ટીરિયર મિનિસ્ટર છે અને અહેવાલો પ્રમાણે કોઈ રાજકીય કારણ આપીને તેઓ આ મીટિંગમાં હાજર રહેવાનું ટાળશે. જય શાહ જ્યારથી ICCના ચૅરમૅન બન્યા છે ત્યારથી નકવી એક પણ મીટિંગમાં હાજર નથી રહ્યા. અહેવાલ પ્રમાણે નકવી પર્સનલી હાજર રહેવાને બદલે ઑનલાઇન જોડાશે અથવા તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઑપરેટિંગ ઑફિસર સુમૈર સૈયદ મીટિંગ માટે મોકલશે.
એશિયા કપની ટ્રોફી તેમણે એશિયા કપની દુબઈની ઑફિસમાં એક લૉકરમાં રાખી દીધી છે અને તેમના આદેશ વગર એને હાથ પણ ન અડાડવાનો આદેશ આપ્યો છે. થોડા દિવસ પહેલાં ભારતીય બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને ટ્રોફી મોકલી આપવા માટે એક પત્ર લખ્યો હતો પણ નકવીના વલણમાં કોઈ ફરક નહોતો પડ્યો.