11 September, 2026 08:28 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
શ્રીલંકન કૅપ્ટન ચામરી અથાપથુ અને પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સના.
દુબઈમાં આયોજિત વિમેન્સ T20 એશિયા કપ 2026ની બીજી સેમી-ફાઇનલ આજે સાંજે ૮ વાગ્યે શરૂ થશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકા સામે પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચવા માટે ટકરાશે.
વિમેન્સ T20 એશિયા કપની અગાઉની પાંચેય સીઝનમાં પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ ટૉપ-ફોરમાં રહી છે. પાકિસ્તાનની ટીમ ૨૦૧૨ અને ૨૦૧૬ની સીઝનમાં જ ફાઇનલ સુધી પહોંચી હતી અને બન્ને ફાઇનલમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
શ્રીલકંન ટીમ ૨૦૨૨ અને ૨૦૨૪ની છેલ્લી બે સીઝનમાં ફાઇનલમાં ભારત સામે રમી હતી. પહેલી ફાઇનલમાં એને હાર મળી હતી, બીજી ફાઇનલમાં જીતીને શ્રીલંકા પહેલી વખત ચૅમ્પિયન બન્યું હતું.
પાકિસ્તાન અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે T20 ફૉર્મેટમાં ૨૪ મૅચ રમાઈ છે. પાકિસ્તાન ૧૨ મૅચમાં અને શ્રીલંકા ૧૧ મૅચમાં વિજેતા રહ્યુું છે. ૨૦૧૩માં એકમાત્ર મૅચ રદ રહી હતી. જુલાઈ-ઑગસ્ટમાં બન્ને વચ્ચે રમાયેલી ત્રણ T20 મૅચની સિરીઝમાં શ્રીલંકાએ ૨-૧થી જીત નોંધાવી હતી. એકબીજા સામેની છેલ્લી ૧૦ મૅચમાં બન્ને ટીમો પાંચ-પાંચ મૅચો જીતી છે.