વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયન સાઉથ આફ્રિકાનો સતત ૧૦ જીતનો વિજયરથ અટક્યો

16 October, 2025 10:47 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

WTCની નવી સીઝનની પ્રથમ મૅચમાં હાર, ૯૩ રનથી જીત સાથે પાકિસ્તાન પૉઇન્ટ-ટેબલમાં બીજા નંબરે, ભારત ચોથા નંબરે ધકેલાયું

શાહીન શાહ આફ્રિદીએ ૩૩ રનમાં ચાર વિકેટ લીધી હતી

જૂનમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયન બનનાર સાઉથ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશીપ (WTC)ની નવી સીઝનની પ્રથમ મૅચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. ગઈ કાલે લાહોરમાં પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ૨૭૭ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા ૧૮૩ રનમાં ઑલઆઉટ થઈ જતાં ૯૩ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 
ગઈ કાલે બે વિકેટે ૫૧ રનથી આગળ રમતાં એ જ સ્કોર પર ટોની ડી ઝોર્ઝી (૪૫ રનર)ને ગુમાવી દીધો હતો. ત્યાર બાદ નિરંતર વિકેટ-પતનને લીધે ડેવાલ્ડ બ્રેવિસની ૫૪ બૉલમાં બે સિક્સર અને ૬ ફોર સાથે ૫૪ રનની આક્રમક ઇનિંગ્સ છતાં ફસડાઈ પડ્યું હતું અને ૬૦.૫ ઓવરમાં ૧૮૩ રન બનાવી ઑલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાની સ્પિનર નોમાન અલીએ ગઈ કાલે વધુ બે વિકેટ લઈને મૅચમાં કુલ ૧૦ વિકેટની કમાલ કરી હતી અને મૅન ઑફ ધ મૅચ બની ગયો હતો. પેસબોલર શાહીન શાહ આફ્રિદીએ ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સ બતાવતાં ૩૩ રનમાં ચાર વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકાએ ઑગસ્ટ ૨૦૨૪થી WTCની ફાઇનલ સહિત સળંગ ૧૦ ટેસ્ટ મૅચ જીતી હતી. જોકે ગઈ કાલે પાકિસ્તાન સામે હાર સાથે તેમનો વિજયરથ અટકી ગયો હતો. સળંગ ટેસ્ટ જીતવાને મામલે ઑસ્ટ્રેલિયા ૧૬ ટેસ્ટ જીતીને ટૉપમાં છે. એણે આવી કમાલ બે વાર કરી છે. ૧૧ ટેસ્ટ જીતીને વેસ્ટ ઇન્ડીઝ આ યાદીમાં બીજા નંબરે છે અને સાઉથ આફ્રિકા ૧૦ જીત સાથે ત્રીજા નંબરે છે.

જીત સાથે પાકિસ્તાન બીજા નંબરે, ૨૪ કલાકમાં ભારત ફરી ચોથા નંબરે

ગઈ સીઝનમાં છેલ્લા નંબરે રહેનાર પાકિસ્તાન નવી સીઝનમાં પ્રથમ મૅચમાં જીત મેળવીને ડાયરેક્ટ બીજા નંબરે પહોંચી ગયું છે. જ્યારે ચૅમ્પિયન સાઉથ આફ્રિકાએ છેલ્લા આઠમા ક્રમાંક સાથે શરૂઆત કરી છે. મંગળવારે વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ત્રીજા નંબરે પહોંચેલું ભારત એક જ દિવસમાં ફરી ચોથા નંબરે ધકેલાઈ ગયું હતું.

south africa pakistan test cricket world test championship cricket news sports sports news