T20 મુંબઈ લીગમાં શ્રેયસ ઐયરના સ્થાને કચ્છી લોહાણા સમાજનો સ્ટાર ઑલરાઉન્ડર પાર્થ ચંદન

11 June, 2026 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિડ-ડે કપનો અન્ય એક ઑલરાઉન્ડર અને પરજિયા સોનીનો મોનિલ સોની પણ આકાશ ટાઇગર્સની ટીમમાં છે...

પાર્થ ચંદન, મોનિલ સોની

શનિવારથી અફઘાનિસ્તાન સામે રમાનારી વન-ડે સિરીઝ માટે શ્રેયસ ઐયરે મેન્સ T20 મુંબઈ લીગની તેની ટીમ સોબો મુંબઈ ફાલકન્સને છોડીને જતા રહેવું પડ્યું હતું. ટીમે આ નિર્ણાયક તબક્કે ટીમના અનુભવી બૅટર આદિત્ય તારેને ટીમની કૅપ્ટન્સી સોંપી હતી અને શ્રેયસના સ્થાને ટીમમાં કચ્છી લોહાણા સમાજ તેમ જ મિડ-ડે કપના સ્ટાર ઑલરાઉન્ડર પાર્થ ચંદનનો ટીમમાં સમાવેશ કર્યો હતો.

ગઈ કાલે નૉર્થ મુંબઈ પૅન્થર્સ સામેના મુકાબલામાં તેનો પ્લેઇંગ ઇલેવનમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે બે ઓવરમાં ૧૬ રન આપ્યા હતા અને કોઈ વિકેટ નહોતો લઈ શક્યો, તેને બૅટિંગમાં મોકો નહોતો મળ્યો.

મિડ-ડે કપ વતી રમતો અન્ય એક સ્ટાર ઑલરાઉન્ડર અને પરજિયા સોની સમાજનો મોનિલ સોની પણ આ લીગમાં આકાશ ટાઇગર્સ વતી રમી રહ્યો છે. જોકે તેને હજુ સુધી તેની ટૅલેન્ટ બતાવવાનો મોકો નથી મળ્યો.

ટુર્નામેન્ટમાંથી સૂર્યકુમાર યાદવની ટીમની વહેલી વિદાય
સૂર્યકુમાર યાદવની નેતૃત્વવાળી ટ્રાયમ્ફ્સ નાઇટ્સ મંગળવારે રાત્રે ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ સામે હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. થાણેની ટીમે આપેલા ૧૭૪ રનના ટાર્ગેટ સામે સૂર્યકુમાર યાદવની ટીમ ૧૮.૫ ઓવરમાં ૧૪૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. સૂર્યા ૨૦ બૉલમાં ૨૪ રન જ બનાવી શક્યો હતો. 
ટ્રાયમ્ફ્સ નાઇટ્સ ઉપરાંત બાંદરા બ્લાસ્ટર્સ પણ પાંચમાંથી ચાર મુકાબલાઓ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

kutchi community shreyas iyer cricket news sports news mumbai