અન્ડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારતીય ખેલાડીઓના ઉશ્કેરણીજનક વર્તનથી અકળાયા પાકિસ્તાનીઓ

24 December, 2025 10:44 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મુદ્દો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ ઉઠાવવાનું વિચારી રહ્યું છે

પાકિસ્તાનની ચૅમ્પિયન અન્ડર-19 ટીમના પ્લેયર્સ, મેન્ટર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા અને અન્ય અધિકારીઓ સાથે પાકિસ્તાનના વડા પ્રધાનનું ફોટોશૂ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ભારતીય અન્ડર-19 ટીમને ટાર્ગેટ કરીને નવો વિવાદ ઊભો કરવાની તૈયારી કરી છે. અન્ડર-19 એશિયા કપ ફાઇનલ દરમ્યાન પાકિસ્તાન સામે ભારતીય ખેલાડીઓ પર ઉશ્કેરણીજનક વર્તનનો આરોપ લગાવતાં તેમણે ICCમાં ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે. રવિવારે દુબઈમાં યોજાયેલી ફાઇનલ મૅચમાં વિકેટ બાદ પાકિસ્તાનીઓના ઉગ્ર સેલિબ્રેશનને કારણે વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેએ ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યા હતા. બન્ને ટીમોએ મૅચ પહેલાં અને પછી રિવાજ મુજબ હાથ પણ મિલાવ્યા નહોતા.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા આયોજિત રિસેપ્શનમાં મોહસિન નકવીએ કહ્યું હતું કે ‘ફાઇનલ દરમ્યાન ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓને ઉશ્કેરતા રહ્યા. પાકિસ્તાન આ ઘટના વિશે ICCને ઔપચારિક રીતે જાણ કરશે. રાજકારણ અને રમતગમતને હંમેશાં અલગ રાખવાં જોઈએ.’

જો પાકિસ્તાન ઔપચારિક ફરિયાદ નોંધાવે તો પણ ICC ફક્ત મૅચ-રેફરી દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ પર જ કાર્યવાહી કરશે.

મેન્ટર-કમ-મૅનેજર સરફરાઝ અહમદે પણ નિરાશા વ્યક્ત કરી

પાકિસ્તાની સિનિયર ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન સરફરાઝ અહમદ અન્ડર-19 પાકિસ્તાની ટીમનો મેન્ટર-કમ-મૅનેજર હતો. તેણે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે ‘હું પહેલાં પણ ભારતીય ટીમ સામે રમી ચૂક્યો છું, પરંતુ એ સમયે ભારતીય ટીમ રમતનું સન્માન કરતી હતી. મને લાગ્યું કે આ વર્તમાન ટીમનો રમત પ્રત્યેનો અભિગમ ખરાબ હતો અને ક્રિકેટમાં તેમનું વર્તન અનૈતિક હતું. તેમના ખેલાડીઓએ તમામ પ્રકારના હાવભાવ કર્યા, પરંતુ અમે રમતગમતની ભાવનાથી અમારી જીતની ઉજવણી કરી. ભારતે જે કર્યું એ તેમની પસંદગી હતી.’

પાકિસ્તાન સરકારે ભારતીય ચલણ અનુસાર ૩૨ લાખ રૂપિયા આ ચૅમ્પિયન ટીમના દરેક સભ્યને આપવાની જાહેરાત પણ કરી છે.

પ્રદર્શન વિશે ટીમ-મૅનેજમેન્ટ પાસેથી સ્પષ્ટતા માગશે ક્રિકેટ બોર્ડ

અન્ડર-19 વન-ડે એશિયા કપ 2025માં ભારતને એકમાત્ર હાર ફાઇનલ મૅચ દરમ્યાન પાકિસ્તાન સામે ૧૯૨ રનથી મળી હતી. ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટમાં ટીમના એકંદર પ્રદર્શનની ચર્ચા અને રિવ્યુ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ-મૅનેજમેન્ટ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી શકે છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૬માં આગામી અન્ડર-19 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બોર્ડ કોઈ પણ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માગે છે.

u19 world cup pakistan india cricket news sports sports news