પાકિસ્તાન સુપર લીગના પહેલા ઑક્શનમાં નસીમ અને ફહીમ પર લાગી મોટી બોલી

13 February, 2026 11:12 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

સ્ટીવ સ્મિથને સિયાલકોટ ટીમે ૪.૨૦ કરોડ રૂપિયામાં ડાયરેક્ટ સાઇન કર્યો, ટુર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બન્યો

નસીમ શાહ

પાકિસ્તાન સુપર લીગ માટે ડ્રાફ્ટ સિસ્ટમ છોડીને પહેલી વખત ઑક્શનનું આયોજન થયું હતું. ૮ ટીમોએ ૧૦૩ પ્લેયર્સ પર ૮ કલાક ચાલેલા ઑક્શનમાં બોલી લગાવી હતી. અપેક્ષા અનુસાર અફઘાનિસ્તાનના પ્લેયર્સે ઑક્શનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર ફ્રૅન્ચાઇઝીઓને અફઘાની પ્લેયર્સમાં રસ ન હોવાથી તેમને ખરીદવામાં આવ્યા નહોતા.

આગામી સીઝન માટે દરેક ફ્રેન્ચાઇઝી ૪ પ્લેયર્સને રીટેન અને એક પ્લેયરને ડાયરેક્ટ સાઇન કરી શકતા હતા. સ્ટાર બૅટર બાબર આઝમને પેશાવર ઝાલ્મીએ ૨.૨૭ કરોડ રૂપિયામાં અને હૈદરાબાદ હ્યુસ્ટન કિંગ્સે યંગ ઑલરાઉન્ડર સૈમ અયુબને ૩.૯૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ઑસ્ટ્રેલિયાના અનુભવી બૅટર સ્ટીવ સ્મિથને સિયાલકોટ સ્ટૅલિયન્સે ૪.૨૦ કરોડ રૂપિયામાં ડાયરેક્ટ સાઇન કરીને પાકિસ્તાન સુપર લીગના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બનાવ્યો હતો.

ઑક્શનમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ પર રાવલપિંડીની ટીમે ૨.૮૦ કરોડ રૂપિયાની સૌથી મોંઘી બોલી લગાવી હતી. ઑલરાઉન્ડર ફહીમ અસરફ પર ઇસ્લામાબાદ યુનાઇટેડે ૨.૭૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ડેવિડ વૉર્નરને તેની જૂની ટીમ કરાચી કિંગ્સે ૨.૫૬ કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો.

pakistan cricket news sports sports news