PSLમાં રમવા ગયેલા વિદેશી ક્રિકેટર્સ ગભરાયા

13 May, 2025 07:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોઈક રડ્યું તો કોઈકે પાકિસ્તાનમાં ફરી ન આવવાની લીધી પ્રતિજ્ઞા

રિશાદ હુસેન, ડૅરિલ મિશેલ, ટોમ કુરન

ભારત અને પાકિસ્તાનના લશ્કરી સંઘર્ષને કારણે બન્ને દેશની T20 લીગ સ્થગિત કરવી પડી છે. એક તરફથી ભારતમાં વિદેશી ક્રિકેટર્સ સલામતી અનુભવી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાનમાં વિદેશી પ્લેયર્સને કડવો અનુભવ થયો છે. બંગલાદેશના સ્પિનર રિશાદ હુસેને ગભરાયેલા વિદેશી ક્રિકેટર્સ વિશે મોટો ખુલાસો કર્યો હતો.

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની વિદેશી પ્લેયર્સની ટુકડી જીવ બચાવીને પાકિસ્તાનથી દુબઈ રવાના થઈ રહી હતી જેમાં રિશાદ હુસેન પણ સામેલ હતો. બાવીસ વર્ષના આ ઑલરાઉન્ડરે કહ્યું કે ‘સૅમ બિલિંગ્સ, ડૅરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વિઝ, ટૉમ કરૅન જેવા વિદેશી પ્લેયર્સ ખૂબ જ ડરી ગયા હતા. દુબઈ ઊતરતાની સાથે જ ડૅરિલ મિશેલે મને કહ્યું કે તે ફરી ક્યારેય પાકિસ્તાન નહીં જાય, ખાસ કરીને આવી સ્થિતિમાં. ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર ટૉમ કરૅન રડવા લાગ્યો હતો અને દરેક માટે તેને કાબૂમાં રાખવો મુશ્કેલ હતો. તે (ટૉમ કરૅન) ઍરપોર્ટ બંધ છે એ વાત સાંભળીને નાના બાળકની જેમ રડવા લાગ્યો હતો, તેને સંભાળવા માટે બે કે ત્રણ લોકોની જરૂર હતી’

બંગલાદેશ ક્રિકેટ-ટીમની પાકિસ્તાન-ટૂર થશે કૅન્સલ

બંગલાદેશ ક્રિકેટ ટીમે થોડા સમય પહેલાં પચીસ મેથી ત્રણ જૂન વચ્ચે પાંચ મૅચની T20 સિરીઝ રમવા પાકિસ્તાન-ટૂરનું આયોજન નક્કી કર્યું હતું, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષના કારણે આ સિરીઝના આયોજન પર સંકટનાં વાદળ ઘેરાયાં છે. આ મુદ્દે બંગલાદેશ ક્રિકેટ બોર્ડ કહે છે કે ‘અમારા પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફની સલામતી અમારા માટે ટોચની પ્રાથમિકતા છે. ટૂર વિશેના તમામ નિર્ણયો પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિનો કાળજીપૂર્વક વિચાર કર્યા પછી લેવામાં આવશે, એ ખાતરી કરીને કે એ નિર્ણય ટીમ અને બંગલાદેશ ક્રિકેટના હિતમાં હશે.’

બંગલાદેશ ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે આ સિરીઝના આયોજન પર સક્રિય ચર્ચા કરી રહ્યું છે. બંગલાદેશની ટીમ ૧૭થી ૧૯ મે વચ્ચે UAE સામે બે મૅચની T20 સિરીઝ પણ રમવા જશે.

પાકિસ્તાનમાં મિસાઇલ હુમલાથી માંડ-માંડ બચ્યા ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ

શનિવારે સવારે ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાનના લશ્કરી મુખ્યાલયની નજીક અને ઇસ્લામાબાદથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા નૂર ખાન ઍરબેઝ પર મિસાઇલ હુમલો કર્યો હતો. અહેવાલ અનુસાર આ હુમલામાં ઑસ્ટ્રેલિયાના ચાર ક્રિકેટર્સ માંડ-માંડ બચ્યા હતા. મિશેલ ઓવેન, ઍશ્ટન ટર્નર, શૉન ઍબોટ અને બેન દ્વારશીસ પાકિસ્તાન સુપર લીગ સ્થગિત થતાં રાવલપિંડીના નૂર ખાન ઍરબેઝથી ચાર્ટર ફ્લાઇટમાં દુબઈ રવાના થઈ રહ્યા હતા. તેમનું ચાર્ટર પ્લેન ઊપડ્યું એના થોડા સમય બાદ અહીં ભારતે જોરદાર હુમલો કર્યો હતો.

ind pak tension t20 pakistan cricket news sports news sports