Sports Updates: સૌથી ઝડપી બે IPL ટાઇટલ જીતનાર કૅપ્ટન બન્યો રજત પાટીદાર

02 June, 2026 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના કૅપ્ટન રજત પાટીદારે પોતાની કૅપ્ટન્સીનાં પહેલાં બે વર્ષમાં જ મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા ધુરંધર કૅપ્ટન્સની બરાબરી કરી લીધી છે.

રજત પાટીદાર

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના કૅપ્ટન રજત પાટીદારે પોતાની કૅપ્ટન્સીનાં પહેલાં બે વર્ષમાં જ મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા ધુરંધર કૅપ્ટન્સની બરાબરી કરી લીધી છે. આ બન્નેની જેમ તેણે બૅક-ટુ-બૅક ટાઇટલ જીતવાના રેકૉર્ડની બરાબરી કરી છે. સાથે જ તે સૌથી ઝડપી બે IPL ટાઇટલ જીતનાર કૅપ્ટન બની ગયો છે.

રજત પાટીદારે ૨૮ મૅચમાં બૅન્ગલોરની કૅપ્ટન્સી કરીને બે ટાઇટલ જીત્યાં છે. રોહિત શર્માએ ૪૪ મૅચ, મહેન્દ્ર સિંહ ધોનીએ ૫૯ મૅચ અને ગૌતમ ગંભીરે ૭૯ મૅચમાં કૅપ્ટન્સી કર્યા બાદ બે ટાઇટલ જીત્યાં હતાં. ૨૦૨૫થી ૨૦૨૬ વચ્ચે મધ્ય પ્રદેશના ૩૩ વર્ષના રજત પાટીદારે બૅન્ગલોરને ૨૮ મૅચમાંથી ૨૦ મૅચ જિતાડી છે. ટીમને માત્ર ૮ મૅચમાં હાર મળી હોવાથી રજત પાટીદારનો જીતનો રેકૉર્ડ ૭૧.૪૨ ટકા છે.

હેડ કોચ ઍન્ડી ફ્લાવરનો કોચિંગ રેકૉર્ડ બન્યો વધુ દમદાર
ઝિમ્બાબ્વેના ૫૮ વર્ષના ભૂતપૂર્વ ક્રિકેટર ઍન્ડી ફ્લાવરે ક્રિકેટ જગતમાં હેડ કોચ તરીકે પોતાનો રેકૉર્ડ વધુ દમદાર બનાવ્યો છે. તેણે હાલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને સતત બીજી વખત IPL ટાઇટલ જીતવામાં મદદ કરી. ૨૦૦૯, ૨૦૧૦-`૧૧ અને ૨૦૧૩માં ઍન્ડી ફ્લાવરના કોચિંગ હેઠળ ઇંગ્લૅન્ડે ઍશિઝ જીતી હતી. ૨૦૨૩માં ઍશિઝ જીતનાર ઑસ્ટ્રેલિયન ટીમના કોચિંગ ગ્રુપનો પણ તે ભાગ હતો.

ઍન્ડી ફ્લાવરે ૨૦૧૦માં ઇંગ્લૅન્ડને એના પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેણે હેડ કોચ તરીકે અબુ ધાબી T10, પાકિસ્તાન સુપર લીગ, ધ હન્ડ્રેડ અને ઇન્ટરનૅશનલ લીગ T20નું પણ ટાઇટલ જીત્યું છે.

ફાઇનલ પછી બન્ને કૅપ્ટનોએ શું કહ્યું?
બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર : આ વર્ષે અમે આ ટુર્નામેન્ટમાં જે રીતે રમ્યા એના કારણે અમે ખૂબ આત્મવિશ્વાસમાં હતા અને દરેક વ્યક્તિ સારી માનસિક સ્થિતિમાં હતી. ગયા વર્ષની સરખામણીમાં થોડો વધુ આત્મવિશ્વાસ હતો. પ્રામાણિકતાથી કહું તો મેં ક્યારેય કૅપ્ટન બનવાનું અને બૅન્ગલોર માટે ટ્રોફી ઉપાડવાનું સ્વપ્ન પણ નહોતું જોયું. મને લાગે છે કે એ બધું લખાઈ ગયું છે અને હું એના માટે આભારી છું.

ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ : મને લાગે છે કે જો અમે ૧૮૦-૧૯૦ રનની આસપાસ પહોંચી ગયા હોત તો એ એક સારી મૅચ હોત. અમે ખરેખર અસરકારક રીતે આગળ વધી શક્યા ન હતા. આ ટુર્નામેન્ટમાં અમારી ટીમ શ્રેષ્ઠ બોલિંગ-યુનિટમાંની એક હતી. અમે અંતિમ જીતના મુકામ સુધી પહોંચ્યા નથી, પરંતુ હંમેશાં કેટલીક બાબતો છે જેના પર તમે સુધારો કરવા માટે કામ કરી શકો છો. 

rajat patidar shubman gill IPL 2026 cricket news sports news royal challengers bangalore gujarat titans