મુંબઈએ સતત બીજી રણજી મૅચમાં હરીફ ટીમને ફૉલો-ઑન આપ્યું

19 November, 2025 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩૨ રને ઑલઆઉટ થયા બાદ પૉન્ડિચેરીએ બીજા દાવમાં ૬ વિકેટે ૨૩૧ રન કર્યા, મુંબઈ પાસે ૨૬૭ રનની લીડ

વાનખેડેમાં ગઈ કાલે પૉન્ડિચેરીની ટીમને પહેલી ઇનિંગ્સમાં ઑલઆઉટ કર્યા બાદ મુંબઈનો કૅપ્ટન શાર્દૂલ ઠાકુર ટીમના ખેલાડીઓ સાથે (તસવીર : અતુલ કાંબળે)

વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત મુંબઈ-પૉન્ડિચેરી વચ્ચેની પાંચમા રાઉન્ડની રણજી મૅચનો આજે ફેંસલાનો દિવસ છે. મુંબઈની ટીમે હિમાચલ પ્રદેશ બાદ પૉન્ડિચેરીને પણ ફૉલો-ઑન માટે મજબૂર કર્યું હતું. પૉન્ડિચેરીની ટીમ પહેલા દાવમાં ૪૭.૨ ઓવર રમીને ૧૩૨ રને ઢેર થઈ ગઈ હતી. ફૉલો-ઑન મળ્યા બાદ મહેમાન ટીમે ત્રીજા દિવસના અંતે બીજા દાવમાં ૪૫ ઓવરમાં ૬ વિકેટે ૨૩૧ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૬૩૦ રન કરનાર મુંબઈ આ મૅચમાં હજી ૨૬૭ રન આગળ છે.

ત્રીજા દિવસે ૧૩મી ઓવરમાં ૪૩-૪ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી હતી. પૉન્ડિચેરીની અડધી ટીમ પચીસમી ઓવરમાં ૬૯ રને પૅવિલિયન પરત ફરી હતી. મહેમાન ટીમના અંતિમ પાંચ બૅટરની વિકેટ માત્ર ૧૯ રનની અંદર પડી હતી. મુંબઈ માટે પહેલા દાવમાં શાર્દૂલ ઠાકુર અને તનુષ કોટિયને ૩-૩ વિકેટ ઝડપી હતી, જ્યારે તુષાર દેશપાંડે અને શમ્સ મુલાનીને ૨-૨ સફળતા મળી હતી.

ફૉલો-ઑન મળ્યા બાદ બીજા દાવમાં મહેમાન ટીમે ૨૭ ઓવર સુધીમાં ૯૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. જોકે બે ઑલરાઉન્ડર્સની ફિફ્ટીના કારણે પૉન્ડિચેરી સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું. બીજા દાવમાં શમ્સ મુલાનીને ૬૭ રનમાં બે સફળતા મળી છે. શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, તનુષ કોટિયન અને મુશીર ખાનને એક-એક વિકેટ મળી છે.

ranji trophy mumbai ranji team mumbai puducherry cricket news sports sports news