પાટીદારની સદીને લીધે ઇતિહાસ રચવાની નજીક પહોંચ્યું મધ્ય પ્રદેશ

26 June, 2022 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદના વિઘ્નવાળી રણજી ટ્રોફી ફાઇનલમાં એમપીએ પહેલી ઇનિંગ્સમાં ૫૩૬ રન ફટકારતાં મુંબઈનો માર્ગ મુશ્કેલ બન્યો

સદીની ઇનિંગ્સ દરમ્યાન મધ્ય પ્રદેશનો ખેલાડી રજત પાટીદાર

યુવા ખેલાડી રજત પાટીદારની સદીને કારણે બૅન્ગલોરમાં ૪૧ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ સામે રમાતી રણજી ટ્રોફી ફાઇનલમાં મધ્ય પ્રદેશની સ્થિતિ મજબૂત બની છે. વરસાદના વિઘ્નવાળી મૅચમાં મધ્ય પ્રદેશે પાટીદારે ૨૦ બાઉન્ડરીની મદદથી ફટકારેલા ૧૬૨ રનને કારણે પહેલી ઇનિંગ્સમાં ૫૩૬ રન કર્યા હતા. 

...તો મુંબઈ જીતી શકે 
આ મૅચમાં કુલ ચાર સદી ફટકારાઈ હતી, પરંતુ પાટીદારની તોલે કોઈ આવી શકે એમ નહોતી. જવાબમાં મુંબઈએ બે વિકેટે ૧૧૩ રન કર્યા હતા, જેમાં પૃથ્વી શો (૫૧ બૉલમાં ૪૪) અને હાર્દિક તામોરે (૩૨ બૉલમાં ૨૫)નો સમાવેશ હતો. તેમણે પ્રયત્ન તો સારો કર્યો હતો, પરંતુ ઝડપથી રન બનાવવામાં વિકેટ ફેંકી દીધી હતી. આજે છેલ્લો દિવસ છે અને ૯૫ ઓવર બાકી છે. મુંબઈએ શનિવારની ઓવર સાથે ૫૦ ઓવરમાં ૩૨૦ કરતાં વધુ રન કરવાના છે અને એમપીને ૧૫૦થી વધુ રનનો લક્ષ્યાંક આપીને ૪૫થી ૫૦ ઓવરમાં ૧૦ વિકેટ લેવાની છે. ​પિચ તૂટે એવી કોઈ શક્યતા ન હોવાથી મધ્ય પ્રદેશ ચોથી ઇનિંગ્સમાં ઝડપથી વિકેટ ગુમાવે એવી શક્યતા પણ દેખાતી નથી. 

કોચને જીતનો વિશ્વાસ
શુક્રવારે મધ્ય પ્રદેશે ત્રણ વિકેટે ૩૬૮ રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગ્સમાં લીડથી માત્ર સાત રન પાછળ હતા એથી લીડ માટે પાટીદાર એક સેશન રમે એ જરૂરી હતું. ત્રીજા દિવસે તે ૧૩ રને રમતમાં હતો. ગઈ કાલે આઉટ થયો ત્યારે ૨૧૯ બૉલમાં તેણે ૧૨૨ રન કર્યા હતા. મધ્ય પ્રદેશની લીડ ૧૦૦ કરતાં વધુ રનની હતી. મુંબઈના ખેલાડીઓના ઊતરેલા ચહેરા બધું સ્પષ્ટ કરતા હતા. મધ્ય પ્રદેશના કોચ ચંદ્રકાંત પંડિત જાણતા હતા કે હવે કોઈ ચમત્કાર જ મધ્ય પ્રદેશને હરાવી શકે. મધ્ય પ્રદેશની ઇનિંગ્સ ૧૪ કલાક અને બે મિનિટ સુધી ચાલી હતી. મુંબઈની ટીમ જે પ્રકારે વર્ષોથી પોતાના હરીફોને હતાશ કરતી હતી કંઈક એવી જ પરિસ્થિતિ અત્યારે મુંબઈની છે. ગયા મહિને ૨૫ એપ્રિલે પાટીદારે પોતાની બૅન્ગલોરની ટીમ તરફથી લખનઉની ટીમ સામે આઇપીએલની મૅચમાં જે સદી ફટકારી હતી એણે તેનામાં ભરેલો આત્મવિશ્વાસ દેખાતો હતો. 

628
રજત પાટીદારે રણજીની આ સીઝનમાં કુલ આટલા રન કર્યા છે.

sports sports news cricket news ranji trophy mumbai madhya pradesh