કોટિયન અને મુલાનીએ બૅટિંગ બાદ બોલિંગમાં મુંબઈની બાજી સંભાળી

11 February, 2025 07:01 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

પહેલી ઇનિંગ્સમાં મુંબઈના ૩૧૫ રન સામે હરિયાણાએ પાંચ વિકેટે ૨૬૩ રન કર્યા, ક્વૉર્ટર ફાઇનલમાં હજી મુંબઈ પાસે છે બાવન રનની લીડ : તનુષ કોટિયન અને શમ્સ મુલાનીએ સેન્ચુરી ચૂકી ગયા બાદ ટીમ માટે બે-બે વિકેટ પણ લીધી, હરિયાણાના કૅપ્ટને ફટકારી સેન્ચુરી

શમ્સ મુલાનીએ ૯૧ રન અને તનુષ કોટિયને શાનદાર ૯૭ રન ફટકાર્યા હતા.

કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મુંબઈ અને હરિયાણા વચ્ચેની ક્વૉર્ટર ફાઇનલ મૅચ વધુ રોમાંચક બની રહી છે. ૮૮.૨ ઓવરમાં મુંબઈએ તનુષ કોટિયન અને સમ્સ મુલાનીની ૯૦ પ્લસ રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ઑલઆઉટ થઈને ૩૧૫ રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં હરિયાણાની ટીમે બીજા દિવસની રમતના અંત સુધીમાં ૭૨ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૬૩ રન કર્યા હતા. કૅપ્ટન અજિંક્ય રહાણે ટીમ પાસે હજી બાવન રનની લીડ બચી છે.

હરિયાણાના ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ (ત્રણ વિકેટ) અને સુમિત કુમાર (ત્રણ વિકેટ)ના તરખાટ વચ્ચે મુંબઈની ઑલરાઉન્ડરની જોડીએ ધીરજપૂર્વકની ૧૬૫ રનની પાર્ટનરશિપ કરી હતી. પહેલા દિવસે શમ્સ મુલાનીની ૯૧ રનની ઇનિંગ્સ બાદ બીજા દિવસે તનુષ કોટિયન પણ ૧૭૩ બૉલમાં ૧૩ ચોગ્ગાની મદદથી ૯૭ રનની ઇનિંગ્સ રમીને સેન્ચુરી ચૂકી ગયો હતો. ત્યાર બાદ ફાસ્ટ બોલર મોહિત અવસ્થીએ ૨૪ બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૮  રનની ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૩૦૦ પાર પહોંચાડ્યો હતો.

બૉલ બાદ બૅટથી પણ હરિયાણાના પ્લેયર્સ ધમાલ મચાવવાનું ચૂક્યા નહોતા. હરીફ ટીમના કૅપ્ટન અંકિત કુમારે ૨૦૬ બૉલમાં ૨૧ ચોગ્ગાની મદદથી ૧૩૬ રન ફટકારીને ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. સ્પિનર તનુષ કોટિયન (૫૭ રનમાં બે વિકેટ) અને શમ્સ મુલાની (૫૯ રનમાં બે વિકેટ)એ બોલિંગ દરમ્યાન પણ ટીમની મુશ્કેલીઓ ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરે પણ ૪૭ રન આપીને એક વિકેટ ઝડપી હતી.

mumbai haryana kolkata ranji trophy eden gardens ajinkya rahane cricket news sports news sports