20 November, 2025 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૭૦ રન ફટકારનાર સિદ્ધેશ લાડ મૅચનો હીરો (તસવીર : અતુલ કાંબળે)
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે પૉન્ડિચેરી ફૉલો-ઑન બાદ બીજી ઇનિંગ્સમાં ૨૭૬ રને ઑલઆઉટ થઈ જતાં મુંબઈનો એક ઇનિંગ્સ અને ૨૨૨ રનથી ભવ્ય વિજય થયો હતો. મુંબઈના પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૬૩૦ રનના મસમોટા સ્કોર સામે પૉન્ડિચેરી પ્રથમ ઇનિંગ્સમાં ૧૩૨ રનમાં ઑલઆઉટ થઈ જતાં ફૉલો-ઑન થવું પડ્યું હતું. મંગળવારે દિવસના અંત સુધીમાં બીજી ઇનિંગ્સમાં ૨૩૧ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી અને ગઈ કાલે સવારે માત્ર ૮.૩ ઓવરમાં વધુ ૪૫ રન બનાવીને બાકીની ચારેય વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગ્સમાં મુંબઈ વતી સૌથી વધુ ૩ વિકેટ તુષાર દેશપાંડેએ લીધી હતી, જ્યારે કૅપ્ટન શાર્દૂલ ઠાકુર અને શમ્સ મુલાનીને બે-બે તેમ જ તનુષ કોટિયન, મુશીર ખાન અને આયુષ મ્હાત્રેને એક-એક વિકેટ મળી હતી. પ્રથમ ઇનિંગ્સમાં કરીઅર-બેસ્ટ ૧૭૦ રનની ઇનિંગ્સ બદલ સિદ્ધેશ લાડ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.
મુંબઈનો આ સતત બીજો એક ઇનિંગ્સથી વિજય હતો. આ પહેલાંની મૅચમાં હિમાચલ પ્રદેશને એક ઇનિંગ્સ અને ૧૨૦ રનથી હરાવ્યું હતું. આ સાથે ગ્રુપ Dમાં પાંચ મૅચમાં ૩ જીત અને બે ડ્રૉ સાથે કુલ ૨૪ પૉઇન્ટ મેળવીને ટૉપનું સ્થાન મજબૂત કરી લીધું હતું. જમ્મુ-કાશ્મીર ૨૦ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે.
મુંબઈ હવે તેની છેલ્લી બે લીગ મૅચ જાન્યુઆરીમાં હૈદરાબાદ અને દિલ્હી સામે રમશે.
સૌરાષ્ટ્ર અને ગુજરાત જીત્યાં
સૌરાષ્ટ્રે ગોવા સામે એક ઇનિંગ્સ અને ૪૭ રનથી દમદાર જીત મેળવી હતી. સૌરાષ્ટ્રના ૭ વિકેટે ૫૮૫ રનના ડિક્લેર સામે ગોવાએ પહેલી ઇનિંગ્સમાં ૩૫૮ રન બનાવ્યા હતા અને ફૉલો-ઑન થયા બાદ બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૮૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રની આ પ્રથમ જીત હતી. ગુજરાતે ઉત્તરાખંડને ૧૪૬ રનથી માત આપી હતી. ૩૪૪ રનના ટાર્ગેટ સામે ઉત્તરાખંડ ૧૯૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.