16 August, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રેવિસ, રવિચન્દ્રન અશ્વિન
સાઉથ આફ્રિકાના યંગ બૅટર ડેવાલ્ડ બ્રેવિસને IPL 2025ના બીજા ભાગમાં ચેન્નઈ સુપર કિંગ્સમાં ઇન્જર્ડ પ્લેયરના સ્થાને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ૨.૨ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. IPLના નિયમ મુજબ રિપ્લેસમેન્ટ પ્લેયરને ઇન્જર્ડ પ્લેયરની કિંમતે અથવા એનાથી ઓછી કિંમતે સાઇન કરવો જોઈએ. જોકે ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ખુલાસો કર્યો છે કે બ્રેવિસને ખરીદવા માટે ચેન્નઈએ ખાનગી રીતે તેને વધારાની રકમ ચૂકવી હતી.
પોતાની યુટ્યુબ-ચૅનલ પર ચર્ચા દરમ્યાન અશ્વિને કહ્યું હતું કે ‘સીઝનના બીજા ભાગમાં ડેવાલ્ડ બ્રેવિસ ચેન્નઈ માટે શાનદાર રહ્યો હતો. મને ખબર પડી કે બે-ત્રણ અન્ય ટીમોએ પણ તેની સાથે વાત કરી હતી, પરંતુ વધારાના પૈસા ચૂકવવામાં અસમર્થ હોવાથી તેને ટીમમાં સામેલ કરવાનું ચૂકી ગયા હતા. સીઝનની મધ્યમાં પ્લેયરની પસંદગી કરતી વખતે તેના એજન્ટ સાથે તેની સર્વિસ મેળવવા માટે બેઝ પ્રાઇસ ઉપરાંત ‘X’ રકમની ચર્ચા કરવામાં આવે છે. ચેન્નઈ વધારાની રકમ ચૂકવવા તૈયાર હતું એટલે બ્રેવિસ ટીમમાં જોડાયો હતો.’
જોકે ૯.૭૫ કરોડ રૂપિયામાં ચેન્નઈ માટે રમનાર અશ્વિનના આ ખુલાસા બદલ ટીમના ફૅન્સ સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે.