RCBના પ્લેયર્સ મૅચના દિવસે પ્રૅક્ટિસ દરમ્યાન ૧૧ નંબરની જર્સી પહેરશે

25 March, 2026 02:54 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

નાસભાગમાં જીવ ગુમાવનાર ૧૧ દિવંગત ફૅન્સ માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૧ સીટ કાયમી રિઝર્વ્ડ રહેશે, RCB અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન (KSCA) એ ખાતરી કરવા માટે તૈયારી કરી રહ્યાં છે કે એ ઘટનામાં જીવ ગુમાવનારાઓની યાદો ક્યારેય ભુલાઈ ન જાય.

૨૦૨૫ની ૪ જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટ્રોફી સાથે બૅન્ગલોરની ટીમે કરી હતી ઉજવણી.

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) પહેલી વખત ચૅમ્પિયન બનવાની ઉજવણી દરમ્યાન થયેલી નાસભાગમાં ગયા વર્ષે ૧૧ ફૅન્સે જીવ ગુમાવ્યા હતા. આ ૧૧ ફૅન્સને RCBએ અનોખી શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું છે. RCBના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાજેશ મેનને ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કેટલીક ઑફિશ્યલ જાહેરાત કરી હતી. 
RCB અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન (KSCA) એ ખાતરી કરવા માટે તૈયારી કરી રહ્યાં છે કે એ ઘટનામાં જીવ ગુમાવનારાઓની યાદો ક્યારેય ભુલાઈ ન જાય. સ્ટેડિયમની અંદર ૧૧ સીટ દિવંગત ફૅન્સની યાદમાં કાયમી ધોરણે રિઝર્વ્ડ રાખવામાં આવશે. IPL સહિત ઇન્ટરનૅશનલ મૅચોમાં પણ એકસાથે ૧૧ સીટ ખાલી રાખવામાં આવશે. KSCA સ્ટેડિયમના આંતરિક પ્રવેશદ્વાર પાસે એક સ્મારક તકતીનું અનાવરણ કરશે.
RCB એની શરૂઆતની રમત માટે મેદાનમાં ઊતરશે ત્યારે સ્ટેડિયમની અંદર ૧૧ પીડિતોનાં નામ પ્રદર્શિત કરવામાં આવશે. ત્યાર બાદ રમત શરૂ થાય એ પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે. મૅચ પહેલાં બૅન્ગલોર ટીમના પ્લેયર્સ ૧૧ નંબરની જર્સી પહેરીને પ્રૅક્ટિસ કરશે. ૨૮ માર્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026ની ઓપનિંગ મૅચ બૅન્ગલોર અને હૈદરાબાદની ટીમો વચ્ચે રમાવાની છે. 

karnataka m chinnaswamy stadium royal challengers bangalore IPL 2025 indian premier league cricket news sports news sports