30 July, 2026 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ‘હૉલીહાન લોકી`ના રિપોર્ટ અનુસાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની બ્રૅન્ડ-વૅલ્યુ ૩૧૨ મિલ્યન ડૉલર (આશરે ૨૯૮૫ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. આ સાથે એ ૩૦૦ મિલ્યન અમેરિકી ડૉલરથી વધુ બ્રૅન્ડ-વૅલ્યુ ધરાવતી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બની ગઈ છે. ઉપરાંત IPLની બિઝનેસ એન્ટરપ્રાઇઝ વૅલ્યુ પણ વધીને ૨૦.૬ બિલ્યન ડૉલર (અંદાજે ૧.૭૨ લાખ કરોડ રૂપિયા) પહોંચી ગઈ છે.
રિપોર્ટની મુખ્ય વિગતો પ્રમાણે IPLની બિઝનેસ વૅલ્યુમાં વાર્ષિક ૧૧.૪ ટકાનો વધારો થયો છે. સ્વતંત્ર રીતે લીગની બ્રૅન્ડ-વૅલ્યુ ૧૦.૩ ટકા વધીને ૪.૩ બિલ્યન ડૉલર થઈ છે. RCB ૩૧૨ મિલ્યન ડૉલરની બ્રૅન્ડ-વૅલ્યુ સાથે સૌથી ટૉપમાં છે, જે ગયા વર્ષ કરતાં ૧૬ ટકા વધુ છે. અન્ય ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સ ૨૬૪ મિલ્યન ડૉલર (આશરે ૨૫૨૭ કરોડ રૂપિયા) સાથે બીજા, કોલકાતા નાઇટ રાઇડર્સ ૨૪૫ મિલ્યન ડૉલર (આશરે ૨૩૪૫ કરોડ રૂપિયા) સાથે ત્રીજા અને ચેન્નઈ સુપર કિંગ્સ ૨૪૪ મિલ્યન ડૉલર (આશરે ૨૩૩૬ કરોડ રૂપિયા) સાથે ચોથા ક્રમે છે. ૧૭ સીઝન સુધી ટ્રોફી માટે તરસનાર RCBએ ૨૦૨૫માં વિજેતા બન્યા બાદ આ વખતે સતત બીજા વર્ષે ચૅમ્પિયન બનીને મેદાનમાં પણ તેમનો દબદબો જમાવી દીધો છે. આ વર્ષે બૅન્ગલોર અને રાજસ્થાન ફ્રૅન્ચાઇઝીના થયેલા રેકૉર્ડબ્રેક કિંમતના સોદાને લીધે IPLની બ્રૅન્ડ-વૅલ્યુ વધુ મજબૂત થઈ હતી. ઉપરાંત ૨૦૨૬ની સીઝને વ્યુઅરશિપના રેકૉર્ડ પણ તોડી નાખ્યા હતા. ઑફિશ્યલ બ્રૉડકાસ્ટર જિયો હૉટસ્ટારના આંકડાઓ મુજબ ૨૦૨૬ની સીઝન ૧.૦૬ અબજ સ્ક્રીન સુધી પહોંચી હતી, જેમાં દર્શકોની સંખ્યામાં ૭ ટકાનો વધારો થયો હતો.