છેલ્લા બૉલમાં જોઈતા બે રન લઈને બૅન્ગલોરનો બે વિકેટે દિલધડક વિજય

11 May, 2026 02:49 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

૧૧ મૅચમાં ૧૪ પૉઇન્ટ અને બહેતર નેટ રનરેટ સાથે RCB હવે ટેબલ-ટૉપર, હૈદરાબાદના અને ગુજરાતના પણ ૧૧ મૅચમાં ૧૪-૧૪ પૉઇન્ટ છે : ભુવનેશ્વર કુમાર ૨૧ વિકેટ સાથે ઑરેન્જ કૅપ હોલ્ડર બન્યો : બીજી વખત વિરાટ કોહલી બૅક-ટુ-બૅક ઝીરોમાં આઉટ થયો

બૅન્ગલોરના ભુવનેશ્વર કુમારે શાનદાર બો​લિંગ કરીને મુંબઈની ચાર વિકેટ લીધી હતી.

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ૩૬ વર્ષના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ગઈ કાલે રાયપુરમાં મુંબઈ ઇન્ડિયન્સની ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. તેણે ચાર ઓવરમાં ૨૩ રન આપીને રાયન રિકલ્ટન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની વિકેટ લીધી હતી. એક IPL સીઝનમાં ૬ વખત ૩થી વધુ વિકેટ લેવાના મામલે તેણે હર્ષલ પટેલના ૨૦૨૧ના રેકૉર્ડની બરાબરી કરી છે. ભુવનેશ્વર કુમાર આ સીઝનમાં ૧૧ મૅચમાં ૨૧ વિકેટ લઈને હાલમાં ઑરેન્જ કૅપ હોલ્ડર બન્યો છે. ચોથી વખત એક સીઝનમાં ૨૦ પ્લસ વિકેટ લેવાના મામલે ભુવનેશ્વર કુમારે બીજા ક્રમે લસિથ મલિંગા અને જસપ્રીત બુમરાહના રેકૉર્ડની બરાબરી કરી છે. સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સૌથી વધુ પાંચ સીઝનમાં ૨૦ પ્લસ વિકેટ ઝડપી ચૂક્યો છે. ભુવનેશ્વર કુમારે ૨૦૧૪, ૨૦૧૬  અને ૨૦૧૭ બાદ ૨૦૨૬માં પણ ૨૦ પ્લસ વિકેટ લીધી છે. ગઈ કાલે ચેઝ માસ્ટર વિરાટ કોહલી પહેલા જ બૉલમાં દીપક ચાહરની બોલિંગ સામે રાજ અંગદ બાવાના હાથે કૅચઆઉટ થયો હતો. આ પહેલાં તે લખનઉ સુપર જાયન્ટ્સના પ્રિન્સ યાદવ સામે બીજા બૉલમાં બોલ્ડ થયો હતો. અગાઉ ૨૦૨૨ની સીઝનમાં વિરાટ કોહલી લખનઉ અને હૈદરાબાદ સામે બૅક-ટુ-બૅક ઝીરોમાં આઉટ થયો હતો. સ્ટૅન્ડ ઇન-કૅપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર મુંબઈ ઇન્ડિયન્સે તિલક વર્માના ૫૭ રન અને નમન ધીરના ૪૭ રનના આધારે ગઈ કાલે ૭ વિકેટે ૧૬૬ રન કર્યા હતા. જવાબમાં બૅન્ગલોરે છેલ્લા બૉલે ૮ વિકેટ ગુમાવીને ૧૬૭ રન કર્યા હતા. સીઝનની પહેલી ટક્કરમાં બૅન્ગલોરે મુંબઈ સામે ૧૮ રને જીત મેળવી હતી.

bhuvneshwar kumar royal challengers bangalore mumbai indians IPL 2026 cricket news sports news sports