12 May, 2026 02:41 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયા પર કૃણાલ પંડ્યાએ પેટ પર થયેલી ઇન્જરીનો ફોટો શૅર કર્યો હતો અને અંતિમ બૉલે મળેલી જીત બાદ કૅપ્ટન રજત પાટીદાર અને વિરાટ કોહલી સાથે ઉજવણી કરતો કૃણાલ પંડ્યા.
મૅચ બાદના ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું કે ‘તું કાયરન પોલાર્ડની ખૂબ નજીક રહ્યો છે. મુંબઈની ટીમના પરિચિત ચહેરાઓ જોવા અને તેમની સામે સ્પર્ધા કરવા બદલ કેવું લાગે છે?’ જવાબમાં કૃણાલ પંડ્યાએ કહ્યું કે ‘પોલી (કાયરન પોલાર્ડ) મારો મોટો ભાઈ છે. મેં મુંબઈની ટીમમાં મારાં શ્રેષ્ઠ ૬ વર્ષ (૨૦૧૬થી ૨૦૨૧) વિતાવ્યાં છે. મને યાદ છે કે પંડ્યા ભાઈઓ અને કાયરન પોલાર્ડ ટીમના એન્જિન રૂમ હતા. અમે બૅટ, બૉલ અને ફીલ્ડિંગ સાથે ઘણી રમતો જીતી હતી. મને હજુ પણ યાદ છે કે ૨૦૨૧માં જ્યારે મુંબઈ માટે અમારી છેલ્લી મૅચ હતી ત્યારે અમે ત્રણેએ એકબીજાના હાથ પકડીને કહ્યું હતું કે આ આપણી એકસાથે રમેલી છેલ્લી મૅચ હશે. એ ખરેખર ઇમોશનલ ક્ષણ હતી. પોલાર્ડ મને ગમે છે, તે શાનદાર માણસ છે.’
૩૬ વર્ષની ઉંમરે પણ મેદાન પર તરખાટ મચાવી રહેલા ભુવનેશ્વર કુમાર માટે કૉમેન્ટેટર રવિચન્દ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. ભુવીને પાછો લાવો એવા હૅશટૅગનો ઉપયોગ કરીને ભારતનો ભૂતપૂર્વ સ્પિનર અશ્વિન કહે છે, ’BringBackBhuvi. મને T20 ટીમમાં તેનું સિલેક્શન અને તેને રમતો જોવાનું ગમશે.’ અશ્વિન આગળ કહે છે, ‘નવા બૉલથી સચોટ બોલિંગ, ડેથ ઓવરોમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા અને જો તમને પ્રેશરવાળી રમતમાં સિક્સની જરૂર હોય ત્યારે ભુવનેશ્વર કુમાર મેદાનના સૌથી મુશ્કેલ ભાગ સુધી પણ શક્તિશાળી સિક્સ ફટકારી શકે છે. મુંબઈ સામે તેણે સંપૂર્ણ ટેસ્ટ-મૅચ જેવી શિસ્ત સાથે બોલિંગ કરી. હું તેના માટે ખૂબ જ ખુશ છું.’
મુંબઈ સામે ચાર વિકેટ લેવા ઉપરાંત ભુવીએ બે બૉલમાં એક સિક્સની મદદથી ૭ રન પણ ફટકાર્યા હતા.
IPL ઇતિહાસમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર છેલ્લે ભારતીય ટીમ માટે નવેમ્બર ૨૦૨૨માં રમ્યો હતો. તે છેલ્લે ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝમાં રમ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૨માં T20 ડેબ્યુ બાદ ભુવનેશ્વર કુમારે ભારત માટે ૮૭ મૅચમાં ૬.૯૬ના ઇકૉનૉમી-રેટથી ૯૦ વિકેટ લીધી છે. ફેબ્રુઆરી ૨૦૧૩થી જાન્યુઆરી ૨૦૧૮ વચ્ચે ૨૧ ટેસ્ટ-મૅચમાં ભુવનેશ્વર કુમારે ૬૩ વિકેટ લીધી છે. ડિસેમ્બર ૨૦૧૨થી જાન્યુઆરી ૨૦૨૨ દરમ્યાન તેણે ૧૨૧ વન-ડે મૅચમાં ૧૪૧ વિકેટ લીધી હતી.