28 March, 2026 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતો વિરાટ કોહલી, ગઈ કાલે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર તથા હૈદરાબાદનો કૅપ્ટન ઇશાન કિશન હરીફ ટીમના જિતેશ શર્મા સાથે.
આજે સાંજે ૭.૩૦ વાગ્યે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને સનરાઇઝ હૈદરાબાદ (SRH) વચ્ચે IPL ૨૦૨૬ની ઓપનિંગ મૅચ રમાશે. આ સ્ટેડિયમમાં બન્ને ટીમની ટક્કર બે વર્ષ બાદ થશે. છેલ્લે ૨૦૨૪ની ૧૫ એપ્રિલે બન્ને ટીમ વચ્ચે આ સ્ટેડિયમમાં ૫૪૯ રનવાળી રેકૉર્ડ-બ્રેક મૅચ રમાઈ હતી. હૈદરાબાદે હાઇએસ્ટ ૨૮૭/૩નો સ્કોર કર્યા બાદ બૅન્ગલોરને ૨૬૨/૭ના સ્કોર પર અટકાવીને પચીસ રને જીત નોંધાવી હતી.
બન્ને ટીમ વચ્ચે પચીસ ટક્કર થઈ છે જેમાંથી હૈદરાબાદ ૧૩ મૅચ અને બૅન્ગલોર ૧૧ મૅચ જીત્યું છે. ૧ મૅચ નો-રિઝલ્ટ રહી હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હૈદરાબાદ-બૅન્ગલોર વચ્ચે ૮ મૅચ રમાઈ છે જેમાંથી યજમાન ટીમ પાંચ મૅચ જીતી છે. આ સ્ટેડિયમમાં ઓવરઑલ હૈદરાબાદની ટીમ નવમાંથી માત્ર ૩ મૅચ જીતી શકી છે. બૅન્ગલોરની ટીમ આ સ્ટેડિયમમાં ૧૦૫ મૅચમાંથી ૫૧ મૅચ જીતી છે અને ૫૦ મૅચ હારી છે, જ્યારે ૪ મૅચ નો-રિઝલ્ટ રહી છે.
IPL મૅચના ટિકિટધારકો માટે બૅન્ગલોરમાં મેટ્રો-જર્ની ફ્રી
ગયા વર્ષની જેમ નાસભાગ જેવી અનિચ્છનીય ઘટનાથી બચવા માટે બૅન્ગલોર ટીમ મૅનેજમેન્ટે IPL મૅચની ટિકિટ ધરાવતા ફૅન્સ માટે આવવા અને જવાની મેટ્રોની જર્ની ફ્રી કરાવી દીધી છે. અહેવાલો અનુસાર મૅચના દિવસોમાં બૅન્ગલોરમાં મેટ્રો મોડી રાતે બે વાગ્યા સુધી દોડશે. ક્રાઉડ-મૅનેજમેન્ટ માટે સ્ટેડિયમમાં પણ સુવિધા અને સુરક્ષાની તકેદારી રાખવામાં આવી છે.