21 January, 2026 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના ઍન્ડ કંપની WPLમાં સતત ૬ મૅચ જીતનારી પહેલી ટીમ બની
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં સોમવારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ગુજરાત જાયન્ટ્સ સામે પોતાની ૬૧ રનની સૌથી મોટી જીત નોંધાવી હતી. વર્તમાન સીઝનમાં સતત પાંચમી મૅચ જીતીને બૅન્ગલોરની ટીમ પ્લેઑફ માટે ક્વૉલિફાય થનાર પહેલી ટીમ બની હતી. ગૌતમી નાઈકે ૫૫ બૉલમાં ૭ ફોર અને ૧ સિક્સની મદદથી ૭૩ રન કરીને બૅન્ગલોરનો સ્કોર ૧૭૮/૬ કર્યો હતો. ગુજરાત ૨૦ ઓવરમાં ૧૧૭-૮નો સ્કોર જ કરી શક્યું હતું.
ગઈ સીઝનની પોતાની અંતિમ મૅચ સહિત વર્તમાન સીઝનની પાંચ મૅચ સાથે બૅન્ગલોરે ટુર્નામેન્ટમાં સતત ૬ મૅચ જીતવાનો રેકૉર્ડ કર્યો હતો. અગાઉ બૅન્ગલોરે ૨૦૨૪-’૨૫ દરમ્યાન સતત પાંચ મૅચ જીતી હતી. બૅન્ગલોર સિવાય મુંબઈ ઇન્ડિયન્સે ૨૦૨૩માં અને ૨૦૨૩-’૨૪ દરમ્યાન સતત પાંચ મૅચ જીતી હતી.
વડોદરામાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ના બીજા તબક્કાની શરૂઆતમાં બૅન્ગલોરની ઑલરાઉન્ડર ગૌતમી નાઈકે શાનદાર ૭૩ રન ફટકાર્યા હતા. તે WPLના ઇતિહાસમાં ફિફ્ટી ફટકારનાર પહેલી અનકૅપ્ડ ભારતીય પ્લેયર બની હતી. નાગાલૅન્ડની ૨૭ વર્ષની આ પ્લેયર પહેલી વખત આ ટુર્નામેન્ટમાં રમી રહી છે. તેને પોતાની પહેલી ૩ મૅચમાં માત્ર એક મૅચમાં રમવાની તક મળી હતી જેમાં તેણે ૯ રન કર્યા હતા.
મૅચ બાદ ગૌતમી નાઈકને તેના આઇડલ હાર્દિક પંડ્યા તરફથી સરપ્રાઇઝ મળી હતી. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ તેના માટે હાર્દિક પંડ્યાના સ્પેશ્યલ વિડિયો-મેસેજની વ્યવસ્થા કરી હતી. હાર્દિક પંડ્યાએ વિડિયોમાં તેને અભિનંદન પાઠવીને તેના પ્રદર્શનની પ્રશંસા કરી, શિસ્ત જાળવવા વિનંતી કરી અને રમતનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરી. ગૌતમીએ આ વિડિયોને સ્વપ્ન જેવી ક્ષણ ગણાવી હતી. તેણે હાર્દિક પંડ્યાને મળવા અને તેની જેમ રમવાની ઇચ્છા વ્યક્ત કરી.