22 January, 2026 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્માની ફાઇલ તસવીર
ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રોહિત શર્માએ આગામી વર્લ્ડ કપ માટે મોટું નિવેદન આપ્યું છે. ભારત અને શ્રીલંકામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2026 માટે તેણે કહ્યું હતું કે ‘મારા ઘરે હું પરિવારના સભ્યો સાથે વાત કરી રહ્યો હતો કે હવે ઘરેથી જોવાનું કેવું વિચિત્ર લાગશે, ખાસ કરીને T20 વર્લ્ડ કપ. જ્યારથી એ શરૂ થયો છે ત્યારથી હું દરેક વર્લ્ડ કપનો ભાગ રહ્યો છું એટલે થોડું અલગ લાગશે.’
T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્માએ વધુમાં કહ્યું હતું કે ‘જ્યારે હું ટીમને T20 મૅચ રમતી જોઉં છું ત્યારે મૅચ રમવાનું ચૂકી જવાની લાગણી એટલી અસર નથી કરતી, પરંતુ જ્યારે તમે વર્લ્ડ કપ રમવાનું ચૂકી જાઓ છો ત્યારે ખ્યાલ આવે છે કે તમે એ ટીમનો ભાગ નથી રહ્યા એટલે એ થોડું વિચિત્ર હશે. જોકે હું ક્યાંક સ્ટેડિયમમાં હોઈશ. એ પહેલાં જેવું નહીં હોય અને એ એક અલગ અનુભવ હશે.’