26 October, 2025 07:41 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
મૅચ પછી રવિ શાસ્ત્રી અને ઍડમ ગિલ્ક્રિસ્ટ સાથે વાત કરતા રોહિત-વિરાટ, ગઈ કાલે રોહિત શર્માની સેન્ચુરી પછી તેને બિરદાવતો વિરાટ કોહલી.
હિટમૅનની સુપરહિટ સેન્ચુરી, બે ઝીરો પછી કિંગ કોહલીનું જબરદસ્ત કમબૅક; ઑસ્ટ્રેલિયામાં વન-ડે સિરીઝનો રોમાંચક અંત કર્યા બાદ રોહિત-વિરાટે કહ્યું... અમે ક્રિકેટર તરીકે અહીં પાછા આવીશું કે નહીં એની ખબર નથી, અહીં અમે દરેક ક્ષણનો આનંદ માણ્યો, થૅન્ક યુ ઑસ્ટ્રેલિયા
ગઈ કાલે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં શાનદાર રન-ચેઝ કરીને કાંગારૂઓને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઑલમોસ્ટ આ છેલ્લી ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટૂર હતી. મૅચ બાદ કૉમેન્ટેટર રવિ શાસ્ત્રી અને ઍડમ ગિલક્રિસ્ટ સાથે આ બન્ને સ્ટાર ક્રિકેટરે સ્પેશ્યલ ઇન્ટરવ્યુ આપ્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘અમને આ દેશમાં આવવાનો ખરેખર આનંદ મળ્યો. અમે સારું ક્રિકેટ રમ્યા. આટલી મોટી સંખ્યામાં આવવા અને અમને ટેકો આપવા બદલ આપ સૌનો આભાર.’
સિરીઝમાં ૨૦૨ રન ફટકારનાર રોહિત શર્માએ કહ્યું હતું કે ‘મને ખબર નથી કે અમે અહીં ક્રિકેટર તરીકે પાછા આવીશું કે નહીં, પરંતુ અમે દરેક ક્ષણનો ખૂબ આનંદ માણ્યો. મને હંમેશાં અહીં રમવાનું ગમ્યું છે. થૅન્ક યુ ઑસ્ટ્રેલિયા.’