IPLમાં ૧૦ રનની અંદર ૬ વિકેટ લેનાર પહેલવહેલી ટીમ બની બૅન્ગલોર

28 April, 2026 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વખત IPLમાં પાવરપ્લેમાં બે બોલર્સે ૩-૩ વિકેટ ઝડપી...

દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલની વિકેટ ઊજવતો ભુવનેશ્વર કુમાર

અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સ સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના બોલિંગ-યુનિટે તરખાટ મચાવ્યો હતો. ૩.૫ ઓવરમાં દિલ્હીએ ૮ રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવી દીધી હતી. બૅન્ગલોરની ટીમ IPLમાં ૧૦ રનની અંદર ૬ વિકેટ લેનાર પહેલવહેલી ટીમ બની હતી.

અનુભવી ફાસ્ટ બોલર્સ ભુવનેશ્વર કુમાર અને જૉશ હેઝલવુડે પાવરપ્લેમાં ૩-૩ ઓવર ફેંકીને ૩-૩  વિકેટ લીધી હતી. IPLની ઇનિંગ્સમાં બે બોલર્સે પાવરપ્લે એટલે કે પહેલી ૬ ઓવર્સમાં ૩-૩  વિકેટ લીધી હોય એવી આ પહેલી ઘટના હતી. આ બન્ને બોલર્સના શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હીની ટીમ IPL પાવરપ્લેનો લોએસ્ટ ૧૩-૬નો સ્કોર કરનારી ટીમ બની હતી.

ઇમ્પૅક્ટ પ્લેયર અભિષેક પોરેલના ૩૩ બૉલમાં ૩૦ રન અને ડેવિડ મિલરના ૧૮ બૉલમાં ૧૯  રનના આધારે દિલ્હીએ ૧૬.૩ ઓવરમાં ૭૫-૧૦નો સ્કોર કર્યો હતો. દિલ્હીનો આ ત્રીજો લોએસ્ટ સ્કોર હતો. અગાઉ તેઓ ૨૦૧૭માં જ મુંબઈ સામે ૬૬ રન અને પંજાબ સામે ૬૭ રનમાં તંબુભેગા થઈ ગયા હતા.

81: આટલા બૉલ બાકી રાખીને બાકી બૉલના મામલે બૅન્ગલોરની IPLની સૌથી મોટી જીત. ૨૦૦૮માં મુંબઈએ કલકત્તા સામે ૮૭ બૉલ પહેલાં જીત મેળવી હતી.

21: આટલી જીત દિલ્હી સામે ૩૫ મૅચમાં મેળવી છે બૅન્ગલોરે. બૅન્ગલોરની એક હરીફ ટીમ સામે આ સૌથી વધુ જીત છે.

જૉશ હેઝલવુડના કરીઅરનું બેસ્ટ પ્રદર્શન 
ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડ ૩.૩ ઓવરમાં ૧૨ રન આપીને ચાર વિકેટ લીધી હતી. IPLમાં બૅન્ગલોર માટે વિદેશી બોલરનું આ બેસ્ટ પ્રદર્શન હતું. T20માં તેણે પોતાના ૨૦૨૨ના શ્રીલંકા સામેના બેસ્ટ બોલિંગ પ્રદર્શનની બરાબરી કરી હતી.

ભુવનેશ્વર કુમારે ૩ ઓવરમાં પાંચ રન આપીને ત્રણ વિકેટ નોંધાવી હતી. બૅન્ગલોર માટે યંગ ફાસ્ટ બોલર રસિખ સલામ દાર, સ્પિનર્સ સુયશ શર્મા અને કૃણાલ પંડયાએ ૧-૧ વિકેટ લીધી હતી.

IPLનો લોએસ્ટ સ્કોર બૅન્ગલોરના નામે છે 
IPLમાં બૅન્ગલોરની ટીમ સૌથી વધુ ચાર વખત ૭૫ રન કે તેથી નીચેના સ્કોર પર ઑલઆઉટ થઈ છે. દિલ્હીની ટીમ ત્રીજી વખત, રાજસ્થાન બે વખત, કલકત્તા, પંજાબ અને કોચીની ટીમ ૧-૧  વખત ૭૫ રન કે તેથી ઓછો સ્કોર કરી શકી છે. દિલ્હીનો ગઈ કાલનો સ્કોર IPLનો બારમો લોએસ્ટ સ્કોર હતો. ૨૦૧૭માં કલકત્તા સામે ઈડન ગાર્ડન્સમાં બૅન્ગલોરે ૯.૪  ઓવરમાં માત્ર ૪૯ રનનો લોએસ્ટ IPL સ્કોર નોંધાવ્યો હતો.

royal challengers bangalore delhi capitals IPL 2026 bhuvneshwar kumar indian premier league cricket news sports news