તમારી હૂંફ, કૃપા અને અવિસ્મરણીય સંગીતથી અમારા જીવનને ભરવા બદલ આભાર આશાતાઈ

13 April, 2026 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સચિન તેન્ડુલકરે ઇમોશનલ પોસ્ટમાં આશા ભોસલે માટે લખ્યું...

સચિન તેન્ડુલકર અને આશા ભોસલે

સચિન તેન્ડુલકર સહિત ક્રિકેટજગતે પણ દિવંગત આશા ભોસલેને શબ્દોથી શ્રદ્ધાંજલિ આપી હતી. સચિન તેન્ડુલકરે પોતાની ઇમોશનલ પોસ્ટમાં લખ્યું હતું કે ‘ભારત માટે અને વિશ્વભરના સંગીતપ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. અમારા માટે આશાતાઈ અમારા પરિવારનો એક ભાગ હતાં.’ 
સચિન તેન્ડુલકરે આગળ લખ્યું હતું કે ‘આજે આપણે જે ઊંડી શૂન્યતા અનુભવીએ છીએ એનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે છે. એક ક્ષણે હૃદય શાંત થઈ જાય છે અને બીજી ક્ષણે દિલ તેમણે આપણને બધાને આપેલા અસંખ્ય સૂરોમાં ખોવાઈ જાય છે. એવું લાગે છે કે સમય પોતે જ થંભી ગયો છે. છતાં તેમનાં અમર ગીતો દ્વારા તે હંમેશ માટે અમર રહેશે. આભાર તાઈ, તમારી હૂંફ, કૃપા અને અવિસ્મરણીય સંગીતથી અમારા જીવનને ભરવા બદલ. આશાતાઈ, અમે તમને આ શબ્દો કરતાં વધુ યાદ કરીશું.’

આશા ભોસલેજી, તમારા આત્માને શાંતિ મળે. તમારા અવાજે લાખો લોકોને સ્પર્શ્યા છે. એ અવાજ અમારાં દિલોમાં જીવિત રહેશે. - વિરાટ કોહલી

આશાજીને સાંભળીને મોટો થયો. તેમનું એક ગીત હંમેશાં એવું રહેતું જે ગમે એ મૂડ સાથે બંધબેસતું હોય. આટલી બધી યાદો, આટલી બધી લાગણીઓ એ અવાજ સાથે જોડાયેલી છે. એવું લાગે છે કે આજે આપણા ઉછેર દરમ્યાનનો એક ભાગ શાંત થઈ ગયો છે. - યુવરાજ સિંહ

એક એવો અવાજ જેણે પેઢીઓને વ્યાખ્યાયિત કરી છે, એક એવો વારસો જે હંમેશાં જીવંત રહેશે. ભારતે એક સાચાં આદર્શ ગુમાવ્યાં છે. - ICC ચૅરમૅન જય શાહ

આશા ભોસલેએ એક વખત આૅસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લી સાથે આલબમ સૉન્ગ ગાયું હતું

૯૨ વર્ષની વયે રવિવારે અવસાન પામેલાં સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેએ એક વખત ઑસ્ટ્રેલિયન પેસ બોલર બ્રેટ લી સાથે સૉન્ગ પણ ગાયું હતું. હા, મૈં તુમ્હારા હું નામનું આ સૉન્ગ ૨૦૦૭માં આશા ઍન્ડ ફ્રેન્ડ્સ આલબમના ભાગરૂપે રિલીઝ થયું હતું. બ્રેટ લીએ આ સૉન્ગ દરમ્યાન માત્ર ગિટાર વગાડ્યું જ નહીં પરંતુ આશા ભોસલે સાથે અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષામાં સૉન્ગ ગાયું હતું. ક્રિકેટ-સંગીત ક્રૉસઓવર આજે પણ લોકોને યાદ છે. 

વાનખેડે સ્ટેડિયમમાં આશા ભોસલે માટે મૌન, મૅચ દરમ્યાન તેમના બૉલીવુડ સૉન્ગ પણ ગુંજ્યાં

ગઈ કાલે મુંબઈ અને બૅન્ગલોરની મૅચ પહેલાં વાનખેડે સ્ટેડિયમમાં પ્લેયર્સ અને ફૅન્સે દિવંગત આશા ભોસલે માટે મૌન પાળ્યું હતું. બન્ને ટીમના પ્લેયર્સ આ મહાન સિંગરને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી પહેરીને ધમાકેદાર મૅચ રમ્યા હતા. મૅચ દરમ્યાન આશા ભોસલેનાં પ્રખ્યાત બૉલીવુડ સૉન્ગ વાનખેડે સ્ટેડિયમમાં ગુંજી ઊઠ્યાં હતાં. 

asha bhosle sachin tendulkar wankhede cricket news sports news sports royal challengers bangalore mumbai indians jay shah IPL 2026