સતવારા પ્રીમિયર લીગની પ્રથમ ચૅમ્પિયન બની સાઈ સબૂરી ઇલેવન

16 May, 2025 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી સમસ્ત કચ્છી સતવારા સમાજ (મુંબઈ) દ્વારા જ્ઞાતિજનો માટે આયોજિત સૌપ્રથમ વાર IPL ઑક્શન ટાઇપ ઓવર આર્મ ટેનિસ બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટ ‘સતવારા પ્રીમિયર લીગ‍‍‍’ સાઈ સબૂરી ઇલેવન ટીમે જીતી લીધી હતી.

ચૅમ્પિયન: સાઈ સબૂરી ટીમ અને પ્લેયર આૅફ ધ સિરીઝ: ધર્મેશ પટેલ

શ્રી સમસ્ત કચ્છી સતવારા સમાજ (મુંબઈ) દ્વારા જ્ઞાતિજનો માટે આયોજિત સૌપ્રથમ વાર IPL ઑક્શન ટાઇપ ઓવર આર્મ ટેનિસ બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટ ‘સતવારા પ્રીમિયર લીગ‍‍‍’ સાઈ સબૂરી ઇલેવન ટીમે જીતી લીધી હતી. ટ્રૉમ્બેમાં આવેલા ચેલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી આ ટુર્નામેન્ટની આ પ્રથમ સીઝનમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. લીગ અને સુપર નૉકઆઉટના સંઘર્ષમય મુકાબલાઓના અંતે સાઈ સબૂરી ઇલેવન અને પરમેશ્વર પ્લેયર્સ ટીમ વચ્ચે ફાઇનલ જંગ ગોઠવાયો હતો. ફાઇનલમાં ટૉસ જીતીને પરમેશ્વર પ્લેયર્સ ટીમે સાઈ સબૂરી ઇલેવનને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સાઈ સબૂરી ઇલેવને પાંચ ઓવરમાં ૪ વિકેટે ૪૬ રન બનાવ્યા હતા. ૪૭ રનના ટાર્ગેટ સામે પરમેશ્વર પ્લેયર્સ ૬ વિકેટે ૨૮ રન જ બનાવી શકતાં સાઈ સબૂરી ઇલેવને ૧૮ રનથી જીત મેળવીને ટુર્નામેન્ટની પ્રથમ ચૅમ્પિયન બની હતી. ફાઇનલમાં એક ઓવરમાં માત્ર બે રન આપી ૩ વિકેટ ઝડપી તરખાટ મચાવનાર શામ પટેલ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

પરમેશ્વર પ્લેયર્સ ટીમના ધર્મેશ પટેલ (૪૪ રન, હૅટ-ટ્રિક સાથે કુલ ૮ વિકેટ, એક કૅચ અને એક રનઆઉટ)ને પ્લેયર ઑફ ધ સિરીઝ તેમ જ બેસ્ટ બૉલર, અમિત પટેલ (૧૨૩ રન)ને બેસ્ટ બૅટર અને સાઈ સબૂરી ટીમના શામ પટેલ (૮ વિકેટ)ને ઇમર્જિંગ પ્લેયર (૧૬થી ૧૮ વર્ષ) ઑફ ધ સીઝનની ટ્રોફી આપવામાં આવી હતી.  

kutchi community mumbai news mumbai cricket news sports news