આજે વન-ડે સિરીઝની નિર્ણાયક મૅચ રમાશે બંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે

15 March, 2026 08:49 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બીજી વન-ડે પાકિસ્તાને DLS મેથડથી જીતીને સિરીઝ ૧-૧થી બરાબર કરી હતી

બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહેમાન

ઢાકામાં આજે બંગલાદેશ અને પાકિસ્તાનની મેન્સ ટીમ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મૅચ રમાશે. પાકિસ્તાને વરસાદથી પ્રભાવિત બીજી વન-ડે મૅચ DLS મેથડથી ૧૨૮ રને જીતીને સિરીઝ ૧-૧થી બરાબર કરી હતી. બીજી વન-ડે મૅચમાં પાકિસ્તાને ૪૭.૩ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૭૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. વરસાદના વિઘ્નને કારણે યજમાન ટીમને ૩૨ ઓવરમાં ૨૪૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે બંગલાદેશે ૨૩.૩ ઓવરમાં ૧૧૪ રને તમામ વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનની બૅટિંગ દરમ્યાન સલમાન અલી આગાના ચર્ચાસ્પદ રનઆઉટથી એક સમયે મેદાન પર બન્ને ટીમના પ્લેયર્સ વચ્ચે એકબીજા સામે રોષનો માહોલ હતો. એક ઇન્ટરવ્યુમાં સલમાન આગાએ કહ્યું હતું કે જે રીતે બંગલાદેશી કૅપ્ટન મેહદી હસન મિરાઝે મને રનઆઉટ કર્યો એ પ્રકારનું કાર્ય પાકિસ્તાન ક્રિકેટ ટીમે ક્યારેય કર્યું નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય આવું નહીં કરીએ. જોકે પ્રેઝન્ટેશન સેરેમની દરમ્યાન વરસાદથી બચવા સલમાન આગા અને મેહદી હસન સહિત બન્ને ટીમના ૧૦ જેટલા ખેલાડીઓ એકસાથે વિશાળ છત્રીની અંદર શરણ લેતા જોવા મળ્યા હતા. 

સલમાન અલી આગાને કરીઅરમાં પહેલી વખત ડીમેરિટ પૉઇન્ટ મળ્યો

બીજી વન-ડે મૅચમાં પોતાની મૂર્ખામીને કારણે રનઆઉટ થયા બાદ સલમાન અલી આગા મેદાન પર ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે મેદાન પર ગ્લવ્ઝ, હેલ્મેટ અને બૅટ પછાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ક્રિકેટનાં સાધનોનો દુરુપયોગ કરવા કે નુકસાન પહોંચાડવા બદલ ICCએ લેવલ વનના ગુના હેઠળ તેને એક ડીમેરિટ પૉઇન્ટ આપ્યો છે. ૩૨ વર્ષના સલમાન અલી આગાને ઇન્ટરનૅશનલ કરીઅરમાં પહેલી વખત ડીમેરિટ પૉઇન્ટ મળ્યો છે. 

bangladesh pakistan sports news sports cricket news dhaka