13 May, 2025 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાન્યુઆરી ૨૦૨૫માં રણજી ટ્રોફીની તૈયારી માટે સરનદીપ સિંહને મળ્યો હતો કોહલી.
દિલ્હીની ડોમેસ્ટિક ટીમના હેડ કોચ સરનદીપ સિંહે ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલીની વહેલી ટેસ્ટ-નિવૃત્તિ વિશે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મેં તેને પૂછ્યું હતું કે શું તે ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝની તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમશે. તો તેણે ઇંગ્લૅન્ડમાં ઇન્ડિયા-A ટીમ માટે બે મૅચ રમવાની સાથે ૨૦૧૮ની જેમ ઇંગ્લૅન્ડ-ટૂર પર ચાર-પાંચ સેન્ચુરી ફટકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.’
એક અન્ય ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘કોહલીની અચાનક નિવૃત્તિએ હાલમાં બધાને ચોંકાવી દીધા છે. અમે વિચાર્યું પણ નહોતું કે તે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. આપણે વિચારવું પડશે કે એવું શું થયું કે તેણે આટલી વહેલી નિવૃત્તિ લીધી. પહેલાં આવું કંઈ થવાના કોઈ સંકેત નહોતા. વિરાટ કોહલી ખૂબ જ મોટો (પ્લેયર) છે અને તેને સારી વિદાય મળી નથી. તેના નિવૃત્તિના કોઈ સંકેતો નહોતા. તે મને મળ્યો એ સમયે પણ તે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-મૅચો વિશે વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે આ વખતે તે સંપૂર્ણપણે તૈયાર રહેશે.’