25 January, 2026 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરફરાઝ ખાન
હૈદરાબાદ સામેની રણજી ટ્રોફી મૅચમાં વિકેટકીપર-બૅટર સરફરાઝ ખાન ૨૨૭ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો. સેન્ચુરીથી ડબલ સેન્ચુરી સુધી પહોંચવાની સફર વિશે તેણે રસપ્રદ ખુલાસો કર્યો છે. મુંબઈમાં જન્મેલા આ ૨૮ વર્ષના ક્રિકેટરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ગુરુવારે સદી અને શુક્રવારે બેવડી સદી ફટકાર્યા પછી મેં બૂમ પાડીને કહ્યું હતું કે મુંબઈ મેરી માઁ હૈ.
કરીઅરની પાંચમી બેવદી સદી ફટકારનાર સરફરાઝ ખાને કહ્યું હતું કે ‘ડબલ સદી ખાસ છે. પિચ એટલી સરળ નહોતી. બૉલ ક્યારેક નીચો પણ રહેતો હતો. ફક્ત આક્રમક ખેલાડીઓ જ ટકી શકે અને રન બનાવી શકે એવી હૈદરાબાદની આ પિચ હતી. હું મારી કરીઅરમાં બહુ રિવર્સ સ્વિંગ રમ્યો ન હોવાથી મોહમ્મદ અઝહરુદ્દીનની ઑફિસમાં એ વિશે વાતચીત કરવા ગયો હતો. અમે લગભગ બે કલાક સાથે વિતાવ્યા હતા. નાનપણથી અત્યાર સુધી મારા પપ્પા મને અઝહરસરની બૅટિંગના વિડિયો બતાવતા હતા. હજી પણ તેઓ મને ફ્લિક શૉટ કેવી રીતે રમવો એ દર્શાવતા અઝહરસરના યુટ્યુબ-વિડિયો બતાવે છે. હું અઝહરસરની શૈલીનો મોટો ચાહક છું.’
રણજી ટ્રોફીની વર્તમાન સીઝનના છઠ્ઠા રાઉન્ડની મૅચમાં મુંબઈએ ૫૬૦ રન કર્યા એની સામે હૈદરાબાદ ૮૨.૨ ઓવરમાં ૨૬૭ રન જ કરી શક્યું. ૨૯૩ રનની જંગી લીડ બાકી હોવાથી મુંબઈએ હૈદરાબાદને ફૉલોઑન આપ્યું હતું. ત્રીજા દિવસના અંતે કૅપ્ટન મોહમ્મદ સિરાજની ટીમે બીજી ઇનિંગ્સમાં ૩૯.૩ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૬૬ રન કર્યા હતા. મુંબઈ પાસે હજી ૧૨૭ રનની લીડ બચી છે અને ઇનિંગ્સથી વિજય મેળવવા માત્ર ત્રણ વિકેટ લેવાની બાકી છે.