14 June, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરાઠા રૉયલ્સ
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે સાંજે મેન્સ T20 મુંબઈ લીગની ચોથી સીઝનની ફાઇનલ મૅચ રમાઈ હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન મરાઠા રૉયલ્સે પાંચ વિકેટ ગુમાવીને ૧૫૫ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જવાબમાં ARCS અંધેરી ૮ વિકેટે ૧૪૬ રન કરીને આઠ રને હાર્યું હતું.
મરાઠા રૉયલ્સ માટે ચિન્મય સુતારે બાવન બૉલમાં ૬૧ રન કર્યા હતા. ARCS અંધેરી માટે ફાસ્ટ બોલર અર્જુન તેન્ડુલકરે ૪ ઓવરમાં ૩૬ રન આપીને બે વિકેટ લીધી હતી. તેની ઓવરમાં બે કૅચ પણ છૂટ્યા હતા. ફાસ્ટ બોલર શિવમ દુબે અને સ્પિનર મુશીર ખાનને પણ એક-એક વિકેટ મળી હતી.
ARCS અંધેરી માટે રન-ચેઝમાં ઓપનર દિવ્યાંશ સક્સેનાએ ૪૦ બૉલમાં ૫૧ રન કર્યા હતા. ૧૪ બૉલમાં પચીસ રનની જરૂર હતી ત્યારે શિવમ દુબે ૧૦ બૉલમાં ૧૫ રન કરીને સ્ટાર બોલર તુષાર દેશપાંડે સામે કૅચ-આઉટ થયો હતો. ફાસ્ટ બોલર ઇરફાન ઉમૈરે ૧૯મી ઓવરમાં બે વિકેટ લઈને રસાકસી વધારી હતી. અંતિમ ઓવરમાં ૧૪ રન ડિફેન્ડ કરીને મરાઠા રૉયલ્સ ચૅમ્પિયન બન્યું હતું.
મરાઠા રૉયલ્સના કૅપ્ટન સિદ્ધેશ લાડની ખભાની ઇન્જરી અને બે વખત પ્લેયર્સ વચ્ચે થયેલી બોલાચાલીને કારણે મૅચ પૂરી થતાં વધુ સમય લાગ્યો હતો.
ભારતીય ક્રિકેટર સાયલી સાતઘરેની આગેવાનીમાં સોબો મુંબઈ ફાલ્કન્સ વિમેન્સ T20 મુંબઈ લીગની પહેલી સીઝનની ચૅમ્પિયન ટીમ બની છે. વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે બપોરે ફાઇનલ મૅચમાં સોબો મુંબઈ ફાલ્કન્સે સિમરન શેખના ૩૫ બૉલમાં ૫૦ રનની મદદથી ૧૨૪-૬નો સ્કોર કર્યો હતો. આકાશ ટાઇગર્સે કૅપ્ટન હુમૈરા કાઝી અને સેજલ રાઉતના ૨૩-૨૩ રનને આધારે ૧૮.૫ ઓવરમાં ૯૯-૧૦નો સ્કોર કર્યો હતો.
ટાઇટલ જીતવાની ઉજવણી કરતી સોબો મુંબઈ ફાલ્કન્સની મહિલા પ્લેયર્સ.
૧૨.૪ ઓવરમાં આકાશ ટાઇગર્સનો સ્કોર ૭૮-૩ વિકેટ હતો. સોબો મુંબઈ ફાલ્કન્સના બોલિંગ-યુનિટે ૨૧ રનની અંદર છેલ્લી ૭ વિકેટ લઈને મૅચમાં જબરદસ્ત વાપસી કરી હતી. સ્પિનર્સ શ્વરા જાધવે બે વિકેટ અને જાહ્નવી કાટેએ ૩ વિકેટ ઝડપી હતી. ભારતીય પેસ બોલર સાયલી સાતઘરેએ એક વિકેટ લેવાની સાથે ૨૦ બૉલમાં ૨૭ રન પણ કર્યા હતા. ફાઇનલમાં ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ લેનાર સ્પિનર જાહ્નવી કાટે પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.
ત્રણ વિમેન્સ ટીમ સાથેની આ પહેલી સીઝનના લીગ-સ્ટેજમાં સોબો મુંબઈ ફાલ્કન્સ ચારમાંથી માત્ર એક મૅચ હાર્યું હતું. સોબો મુંબઈ ફાલ્કન્સની મેન્સ ટીમ T20 મુંબઈ લીગની ચારેય સીઝનમાં ટાઇટલ જીતી નથી. આ વખતે શ્રેયસ ઐયર અને આદિત્ય તરેની આગેવાનીમાં મેન્સ ટીમ ૮ ટીમો વચ્ચે પાંચમા ક્રમે રહી હતી.