22 October, 2025 12:09 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
ગયા વર્ષે ત્રણ મહિનામાં જ છીનવાઈ ગઈ હતી રિઝવાનની T20 કૅપ્ટન્સી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સિનિયર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને આગામી મહિનાથી મોહમ્મદ રિઝવાનની જગ્યાએ ટીમનો નવો વન-ડે કૅપ્ટન નિયુક્ત કર્યો છે. શાહીન આગામી ચારથી ૮ નવેમ્બર દરમ્યાન સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝથી આ ફૉર્મેટમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરશે. છેલ્લાં બે વર્ષથી ત્રણેય ફૉર્મેટમાં કૅપ્ટનપદ માટે સંગીતખુરસીની રમત યથાવત્ ચાલી રહી છે.
૨૫ વર્ષનો શાહીન ૧૯૦ ઇન્ટરનૅશનલ મૅચમાં ૩૬૯ વિકેટ લઈ ચૂક્યો છે. પાકિસ્તાન સુપર લીગ ઉપરાંત તેણે T20 ઇન્ટરનૅશનલની પાંચ મૅચમાં કૅપ્ટન્સી કરી હતી, પરંતુ ચારમાં હાર અને માત્ર એકમાં જીતને કારણે તેણે કૅપ્ટન્સી છોડવી પડી હતી.
ધર્મના વધારે પડતા પ્રચારને કારણે છીનવાઈ ગઈ કૅપ્ટન્સી?
ઑક્ટોબર ૨૦૨૪માં મોહમ્મદ રિઝવાનને વાઇટ-બૉલ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો ત્યારથી પાકિસ્તાન ચાર T20 હારી ગયું છે. એને કારણે ડિસેમ્બર ૨૦૨૪માં સલમાન અલી આગાને આ ફૉર્મેટની જવાબદારી સોંપવામાં આવી હતી.
રિઝવાનના નેતૃત્વમાં પાકિસ્તાન ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ જીત્યું હતું, પરંતુ ચૅમ્પિયન્સ ટ્રોફી અને ન્યુ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વન-ડેમાં રિઝવાન કૅપ્ટન તરીકે ૨૦માંથી માત્ર ૯ મૅચ જીતી શક્યો અને ૧૧ મૅચમાં તેણે હાર જોવી પડી હતી.
અહેવાલ અનુસાર ક્રિકેટ બોર્ડના કેટલાક અધિકારીઓ રિઝવાનના ડ્રેસિંગ રૂમની ચર્ચાઓમાં ધર્મને લાવવાના વધતા વલણથી અસ્વસ્થ હતા જેને કારણે કેટલાક ખેલાડીઓ પણ અસ્વસ્થતા અનુભવતા હતા. રિઝવાન ક્રિકેટ મૅચ અથવા મીડિયા સાથેની વાતચીત દરમ્યાન ધર્મ પર પોતાનો મત વ્યક્ત કરવામાં કોઈ ખચકાટ અનુભવતો નહોતો. તેણે હોટેલોમાં ખાસ ઉપદેશોનું આયોજન કર્યું હતું અને પ્લેયર્સને દિવસમાં પાંચ વખત નમાજ પઢવાની વિનંતી કરી હતી.