05 October, 2026 02:09 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent
શોએબ અખ્તર
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૬૧.૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફાસ્ટેસ્ટ બૉલ ફેંકી ચૂકેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે મોટું નિવેદન આપ્યું છે. શોએબ અખ્તરે સ્પષ્ટતા કરી છે કે નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે જોડાવાનો તેનો કોઈ ઇરાદો નથી.
૫૧ વર્ષનો શોએબ અખ્તર કહે છે, ‘હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં જોડાઈ રહ્યો છું એ માત્ર અટકળો છે. મારી મમ્મીએ મને પાકિસ્તાનની રાજનીતિ અને PCBથી દૂર રહેવાનું કહ્યું હતું અને હું એ સલાહનું પાલન કરીશ. મને પાકિસ્તાન ક્રિકેટની સેવા કરવાનું ગમશે, પરંતુ મને લાગે છે કે હું કોઈ અન્ય ઘણી રીતે એમ કરી શકું છું.’
શોએબ ભૂતકાળમાં પાકિસ્તાન ક્રિકેટની સ્થિતિ અને PCBમાં અમુક વ્યક્તિઓની કામગીરી વિશે ખૂબ જ સ્પષ્ટવક્તા અને કઠોર ટીકાકાર રહ્યો છે. તેણે તાજેતરમાં તેનો સૂર નરમ કર્યો છે જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે તે કદાચ ટૂંક સમયમાં બોર્ડમાં જોડાઈ શકે છે.