14 October, 2025 09:45 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
નોમાન અલીએ ચાર વિકેટ લીધી હતી
લાહોર ટેસ્ટ-મૅચના બીજા દિવસે બન્ને ટીમના બોલર્સનું વર્ચસ જોવા મળ્યું હતું. બીજા દિવસે કુલ ૧૧ વિકેટ પડી હતી. પાકિસ્તાને પાંચ વિકેટે ૩૧૩થી આગળ રમતાં એકસમયે ૩૬૨ રન બનાવી લીધા હતા, પણ ત્યાર બાદ માત્ર ૧૬ રનમાં બાકીની પાંચેય વિકેટ ગુમાવીને ૩૭૮ રન પર ઑલઆઉટ થઈ ગયું હતું. સાઉથ આફ્રિકાનો સ્પિનર સેનુરન મુથુસામી પાકિસ્તાનના ધબડકાનું મુખ્ય કારણ બન્યો હતો. ૩૨ ઓવરના સ્પેલમાં તેણે ૧૧૭ રનમાં ૬ વિકેટ લઈને પોતાની કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું. સાઉથ આફ્રિકાએ પણ સારી શરૂઆત કરી હતી અને એક સમયે બે વિકેટે ૧૭૪ રન બનાવી લીધા હતા, પણ ત્યાર બાદ તેમનો પણ ધબડકો થયો હતો અને ૨૦૦ રન પહોંચતાં સુધીમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. આ ધબડકામાં સૌથી મોટો ફાળો ૩૯ વર્ષના નોમાન અલીનો હતો. તેણે ૮૫ રનમાં ૪ વિકેટ લીધી હતી. દિવસના અંતે સાઉથ આફ્રિકાએ ૬ વિકેટે ૨૧૬ રન બનાવ્યા હતા અને હજી તેઓ ૧૬૨ રન પાછળ છે.