03 November, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ક્રિકેટ બોર્ડે IPL ફ્રૅન્ચાઇઝીઓ માટે પ્લેયર્સના રિટેન્શન વિશેનું લિસ્ટ જમા કરાવવાની સમયમર્યાદામાં બે દિવસનો વધારો કર્યો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે IPL ફ્રૅન્ચાઇઝીઓ માટે પ્લેયર્સના રિટેન્શન વિશેનું લિસ્ટ જમા કરાવવાની સમયમર્યાદામાં બે દિવસનો વધારો કર્યો છે. ટીમોને મોકલેલા એક ઈ-મેઇલમાં બોર્ડે ફ્રૅન્ચાઇઝીઓને ૧૭ નવેમ્બરની નવી તારીખ આપી છે. પહેલાં કયા પ્લેયર્સને જાળવી રાખવા અને કયા પ્લેયર્સને મુક્ત કરવા એ નક્કી કરવા માટે ૧૫ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. સમયમર્યાદા વધારવાનું કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી. IPL મિની-ઑક્શનની તારીખ કે સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એ ૧૬ નવેમ્બરે ગોવામાં જ યોજાશે.
પંજાબમાં આયોજિત મેન્સ એશિયન હૉકી ચૅમ્પિયન્સ ટ્રોફી 2026માં ૬ ટીમો વચ્ચે યજમાન ભારતીય ટીમ એકમાત્ર અજેય ટીમ રહી છે. ગઈ કાલે
લીગ-સ્ટેજની અંતિમ મૅચમાં ભારતે ૮-૦થી સાઉથ કોરિયા સામે જીત નોંધાવી હતી.
પૉઇન્ટ-ટેબલમાં ભારત પાંચેય મૅચમાં જીત અને ૧૫ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે રહ્યું. જપાન ૧૦ પૉઇન્ટ સાથે બીજા ક્રમે, મલેશિયા ૯ પૉઇન્ટ સાથે ત્રીજા અને સાઉથ કોરિયા ૬ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે રહ્યું.
પહેલી સેમી-ફાઇનલમાં આવતી કાલે ભારતીય ટીમ સાઉથ કોરિયા સામે અને બીજી સેમી-ફાઇનલમાં જપાન મલેશિયા સામે ટકરાશે.
૧૬ વર્ષ જૂનો જર્મન રેસર સેબૅસ્ટિયન વેટલેનો રેકૉર્ડ તૂટ્યો
ઇટાલિયન ડ્રાઇવર કિમી ઍન્ટોનેલી ફૉર્મ્યુલા વનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી યુવા વર્લ્ડ ચૅમ્પિયન બન્યો છે. ૨૦ વર્ષ અને ૬૮ દિવસની ઉંમરે કિમી ઍન્ટોનેલીએ પોતાની કરીઅરનું પ્રથમ વર્લ્ડ ડ્રાઇવર્સ ચૅમ્પિયનશિપ ટાઇટલ જીત્યું છે. અગાઉ જર્મનીના સેબૅસ્ટિયન વેટલે ૨૦૧૦માં ૨૩ વર્ષ ૧૩૪ દિવસની ઉંમરે આ ટાઇટલ જીત્યું હતું.
વર્લ્ડ ડ્રાઇવર્સ ચૅમ્પિયનશિપ સીઝનની અલગ રેસોમાં ભાગ લઈને કિમી ઍન્ટોનેલીએ ૩૮૦ જેટલા પૉઇન્ટ મેળવ્યા છે. મેક્સિકન ગ્રાં પ્રીમાં ત્રીજું સ્થાન મેળવીને તેણે તમામ રેસર્સ વચ્ચે ૧૧૯ પૉઇન્ટની લીડ મેળવી છે. સીઝનની બાકીની ૪ રેસમાં જીતીને પણ કોઈ રેસર આટલા પૉઇન્ટ સુધી પહોંચી શકે એમ નથી.
૧૯૫૩ પછી પહેલી વખત કોઈ ઇટાલિયન વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે. કિમી ઍન્ટોનેલી સીઝનમાં સૌથી વધુ ૯ રેસ જીતનાર ઇટાલિયન ડ્રાઇવર છે.
અમદાવાદ એક મુખ્ય ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ હબ તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવી રહ્યું છે. હવે અમદાવાદમાં પહેલી વખત પ્રાઇમ વૉલીબૉલ લીગનું આયોજન થશે. ૩૦ નવેમ્બરથી શરૂ થતી એક મહિનો લાંબી ટુર્નામેન્ટમાં અમદાવાદ ડિફેન્ડર્સ સહિત ૧૦ ટીમો ભાગ લેશે.
આ ટુર્નામેન્ટની બે સીઝન હૈદરાબાદ અને એક-એક સીઝન કોચી અને ચેન્નઈમાં યોજાઈ હતી. અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લૅક્સમાં ભારતના ટોચના વૉલીબૉલ પ્લેયર્સ સહિત ઇન્ટરનૅશનલ પ્લેયર્સ ટૅલન્ટ દેખાડતા જોવા મળશે. થોડા સમય પહેલાં અહીં જ એશિયન વૉલીબૉલ કપ માટે ક્વૉલિફાઇંગ મૅચો રમાઈ હતી.
આજે દુબઈમાં અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ માટે પ્લેયર્સ ડ્રાફ્ટ યોજાવાનો છે. ભારતીય ક્રિકેટ છોડી ચૂકેલા વિજય શંકર, મુરુગન અશ્વિન અને કે.એસ. ભરતને પણ શૉર્ટલિસ્ટ થયેલા પ્લેયર્સના ડ્રાફ્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
ભારતીય મૂળના અન્ય ૯ પ્લેયર્સમાં ઉન્મુક્ત ચંદ (અમેરિકા), રાહુલ ચોપડા (UAE), અક્ષદીપ નાથ (UAE), અલીશાન શરાફુ (UAE), આર્યન અફઝલ ખાન (UAE), અયાન ખાન (ઓમાન), ધ્રુવ પરાશર (UAE), વૃજ પટેલ (કેન્યા) અને યાસીન પટેલ (કુવૈત)નો સમાવેશ થાય છે.
પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર પણ આ ડ્રાફ્ટનો ભાગ બન્યો છે. ૩૪ વર્ષના પ્લેયરે ઇંગ્લૅન્ડની મહિલા સાથે લગ્ન કરીને બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી છે. જોકે ડ્રાફ્ટ રજિસ્ટરમાં તેને બ્રિટનમાં રહેતાં વિદેશી નાગરિક તરીકે દર્શાવવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૦૯માં વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારથી અફઘાનિસ્તાને તમામ ફૉર્મેટમાં સતત પ્રગતિ દર્શાવી છે. અફઘાનિસ્તાન ICC મેન્સ વન-ડે ટીમ રૅન્કિંગમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. હાલમાં જ બંગલાદેશ, ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ જેવી અનુભવી ટીમોથી આગળ નીકળ્યા પછી હવે અફઘાનિસ્તાન શ્રીલંકાથી પણ આગળ નીકળ્યું છે. પાકિસ્તાનમાં ત્રિકોણીય વન-ડે સિરીઝમાં સતત બે હાર પછી શ્રીલંકા એક સ્થાન નીચે સરકીને સાતમા ક્રમે પહોંચ્યું છે. ભારતીય ટીમ પહેલા ક્રમે યથાવત્ છે.