Sports Updates: કોચિંગ-કરીઅર શરૂ થઈ કેન વિલિયમસનની, મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સનો બૅટિંગ-કોચ બન્યો

13 July, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Sports Updates: પાકિસ્તાનના ફીલ્ડિંગ કોચ મૅકડર્મોટે અધવચ્ચેથી પદ છોડ્યું; યુવરાજ સિંહ, અભિષેક શર્મા સાથે વિમ્બલ્ડન પહોંચ્યો વૈભવ સૂર્યવંશી અને વધુ સમાચાર

કેન વિલિયમસન

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક મહિના બાદ ન્યુ ઝીલૅન્ડના કેન વિલિયમસનને પહેલી કોચિંગ જૉબ મળી છે. ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં મેન્સ મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સમાં કેન વિલિયમસનને બૅટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાની SA20 લીગમાં કેન વિલિયમસન ડરબન સુપર જાયન્ટ્સ માટે છેલ્લી બે સીઝન રમ્યો હતો. IPL 2026માં તેણે લખનઉ સુપર જાયન્ટ્સમાં વ્યૂહાત્મક સલાહકાર તરીકે સેવા આપી હતી. ૩૫ વર્ષનો કેન વિલિયમસન ૨૯૩ T20 મૅચમાં એક સદી અને ૫૧ ફિફ્ટીની મદદથી ૭૪૫૪ રન કરી ચૂક્યો છે. 

પાકિસ્તાનના ફીલ્ડિંગ કોચ મૅકડર્મોટે અધવચ્ચેથી પદ છોડ્યું

પાકિસ્તાનના ફીલ્ડિંગ કોચ શેન મૅકડર્મોટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને રાજીનામું આપી દીધું છે. ઑસ્ટ્રેલિયાનો આ ભૂતપૂર્વ સ્થાનિક વિકેટકીપર-બૅટર શેન મૅકડર્મોટે રાજીનામું કેમ આપ્યું એનું કારણ સામે આવ્યું નથી. અગાઉ પાકિસ્તાન વાઇટ-બૉલ અને રેડ-બૉલ ટીમના હેડ કોચ પદેથી પણ મોટાં નામો અધવચ્ચેથી રાજીનામું આપી ચૂક્યાં છે. જુલાઈ ૨૦૨૫માં શેન મૅકડર્મોટે બંગલાદેશ સામેની T20 સિરીઝથી ફીલ્ડિંગ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. ૪૫ વર્ષનો આ કોચ એક વર્ષ પહેલાં જ ઑલ-ફૉર્મેટ ફીલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત થયો હતો અને સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં સપોર્ટ સ્ટાફનો ભાગ બનવાનો હતો.

યુવરાજ સિંહ, અભિષેક શર્મા સાથે વિમ્બલ્ડન પહોંચ્યો વૈભવ સૂર્યવંશી

ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સે પોતાના સોશ્યલ મીડિયા પર ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની મોટી સિદ્ધિ શૅર કરી હતી. વૈભવ સૂર્યવંશીને સાથી ઓપનર અભિષેક શર્મા અને ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ સાથે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ફાઇનલ જોવાનું આમંત્રણ મળ્યું હતું. વૈભવ અને અભિષેક યુવીને પોતાનો ક્રિકેટ-આઇડલ માને છે.

ભારતીય મેન્સ ફુટબૉલ ટીમ ન્યુ ઝીલૅન્ડની ટૂર પર જશે

ભારતીય મેન્સ ફુટબૉલ ટીમ નવેમ્બરમાં પહેલી વખત ન્યુ ઝીલૅન્ડની ટૂર પર જશે. ૧૨ અને ૧૫ નવેમ્બરે ભારત યજમાન ન્યુ ઝીલૅન્ડ સામે ઑકલૅન્ડમાં બે ફ્રેન્ડ્લી મૅચ રમશે. ન્યુ ઝીલૅન્ડ આ વખતે ત્રીજી વખત વર્લ્ડ કપમાં રમવા ઊતર્યું હતું અને પહેલી બે વખતની જેમ આ વખતે પણ ગ્રુપ-સ્ટેજથી આગળ વધ્યું નહોતું.

sports sports news cricket news kane williamson new zealand pakistan wimbledon yuvraj singh vaibhav sooryavanshi abhishek sharma