વચન અનુસાર કેટલાક પુરસ્કારો ન મળે તો નિરાશ ન થતાં, ચાહકોનો પ્રેમ અને સ્નેહ આપણી સૌથી મોટી સંપત્તિ છે

11 November, 2025 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કડવા અનુભવોને યાદ કરીને સુનીલ ગાવસકરે વર્લ્ડ ચૅમ્પિયન વિમેન્સ ટીમને આપી ચેતવણી

સુનીલ ગાવસકર

નવી મુંબઈમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે વર્લ્ડ કપ જીત્યો ત્યારથી વર્લ્ડ કપ વિજેતાઓના યોગદાનને માન આપવા માટે ઘણા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. મહિલા પ્લેયર્સના સ્વાગત અને સન્માન-સમારોહ થઈ રહ્યાં છે. એ બધા વચ્ચે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે પોતાના કડવા અનુભવો પરથી ભારતીય પ્લેયર્સને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. 
તેમણે કહ્યું હતું કે ‘છોકરીઓ માટે ફક્ત એક ચેતવણી, જો તમને વચન આપેલા કેટલાક પુરસ્કારો ન મળે તો કૃપા કરીને નિરાશ ન થતાં. ભારતમાં જાહેરાતવાળા, બ્રૅન્ડ્સ અને વ્યક્તિઓ ઝડપથી મેદાનમાં કૂદી પડે છે અને વિજેતાઓના ખભા પર હાથ મૂકીને મફત પ્રચાર મેળવવાનો પ્રયાસ કરે છે. ટીમને અભિનંદન આપતી આખા પાનાની જાહેરાતો અને હોર્ડિંગ્સ પર એક નજર નાખો. તેઓ ફક્ત તેમની બ્રૅન્ડ અથવા પોતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભારતીય ક્રિકેટને ગૌરવ અપાવનારાઓને કંઈ આપી રહ્યા નથી.’

૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા સુનીલ ગાવસકરે વધુમાં કહ્યું હતું કે ‘૧૯૮૩ની ટીમને ઘણાં વચનો આપવામાં આવ્યાં હતાં અને એ સમયે મીડિયાએ તેમને વ્યાપક કવરેજ આપ્યું હતું. એ લગભગ બધાં વચનો ક્યારેય પૂરાં થયાં નહોતાં. મીડિયાને દોષી ઠેરવી શકાય નહીં, કારણ કે તેઓ ભવ્ય જાહેરાતોથી એટલા ખુશ હતા કે તેમને ખ્યાલ નહોતો કે આ બેશરમ લોકો પણ તેમનો ઉપયોગ કરી રહ્યા છે. સામાન્ય ભારતીય ક્રિકેટચાહકોનો પ્રેમ અને સ્નેહ આપણી સૌથી મોટી સંપત્તિ છે.’ 

womens world cup world cup indian womens cricket team sunil gavaskar cricket news sports sports news