15 November, 2026 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
મુંબઈના કૅપ્ટન સૂર્યકુમાર યાદવના તોફાની અંદાજના સહારે મુંબઈએ શનિવારે જાદવપુર યુનિવર્સિટી કૅમ્પસ સેકન્ડ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)ની પોતાની પ્રથમ મૅચમાં હૈદરાબાદ સામે ૧૭૩ રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરીને શાનદાર શરૂઆત કરી હતી.
સ્પર્ધાત્મક ક્રિકેટમાં ધમાકેદાર પુનરાગમન કરીને સૂર્યાએ માત્ર ૨૧ બૉલમાં અણનમ ૬૦ રનની ઇનિંગ્સ રમીને ટીમને એકતરફી જીત અપાવી હતી. સૂર્યાએ પાંચ સિક્સ અને ૬ ફોર ફટકારી હતી. મુશીર ખાને પણ ૨૪ બૉલમાં ૫૧ રનની મજબૂત ઇનિંગ્સ રમી હતી, જ્યારે શિવમ દુબેએ ફિનિશિંગ ટચ આપતાં મુંબઈએ માત્ર ૧૩.૧ ઓવરમાં જ વિજયી લક્ષ્યાંક પાર પાડ્યો હતો. ૨૦૨૬ના T20 વર્લ્ડ કપમાં ‘મેન ઇન બ્લુ’ને ટાઇટલ ડિફેન્ડ કરાવ્યા બાદ ઇન્ડિયાની T20 કૅપ્ટન્સી અને ટીમમાં સ્થાન ગુમાવનાર સૂર્યા IPL બાદ પ્રથમ વખત ટૉપ-ફ્લાઇટ ક્રિકેટ રમી રહ્યો છે. તે જૂનમાં મુંબઈ T20 લીગ અને ત્યારબાદ ક્લબ ક્રિકેટમાં રમ્યો હતો, પરંતુ લાંબા સમય બાદ મુખ્ય ટુર્નામેન્ટમાં પરત ફર્યો છે. SMAT માટે તેને મુંબઈની ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.