03 February, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર
T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવા બદલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ બોર્ડ (ICC) ડ્રામેબાજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે મોટી ઍૅક્શન લેવાની સત્તા ધરાવે છે. અહેવાલો અનુસાર આ બહિષ્કારના નાટક બદલ પાકિસ્તાન પર વર્લ્ડ ક્રિકેટમાં ભાગીદારી વિશે મોટા પ્રતિબંધો લાગી શકે છે.
ICC પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી કાઢી પણ શકે છે. પાકિસ્તાનના મળવાપાત્ર ફન્ડ પર રોક લાગી શકે છે. ICC પાકિસ્તાન સુપર લીગમાં સક્રિય વિદેશી ખેલાડીઓને NOC આપવાનો ઇનકાર કરી શકે છે. ICC પોતાના અન્ય સભ્ય-બોર્ડને પાકિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝ ન રમવાનો આદેશ આપી શકે છે. એની અસર ત્રણેય ફૉર્મેટમાં પાકિસ્તાનના રૅન્કિંગ પર પડશે. ક્રિકેટ બોર્ડ અને ICC સાથે વર્લ્ડ કપ મૅચ તટસ્થ સ્થળોએ રમવા સંમત થયા બાદ કરાર તોડવા બદલ પાકિસ્તાન પર નાણાકીય દંડ અને પ્રતિબંધનો દંડ પણ લાગી શકે છે.
ICC બંધારણના અનુચ્છેદ ૨.૪ અનુસાર એક દેશના ક્રિકેટ બોર્ડે એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે દેશમાં ક્રિકેટના શાસન, નિયમન, વહીવટમાં એટલે કે ઑપરેશનલ બાબતો, ટીમોની પસંદગી, સંચાલન અને કોચ અથવા સપોર્ટ-સ્ટાફની નિમણૂક સહિતની બાબતોમાં કોઈ સરકાર દખલગીરી ન કરે. જો ICC આને પાકિસ્તાન સરકાર દ્વારા દખલગીરી માનશે તો તાત્કાલિક બોર્ડને સસ્પેન્ડ પણ કરી શકે છે.