22 February, 2026 07:46 AM IST | Ahmedabad | Shailesh Nayak
યંગ મેન્સ ક્રિકેટ ક્લબના સભ્યો, વિલે પાર્લેના મિત્રો, ઉર્વી અને દર્શક ત્રિવેદી.
ટ્રેન, પ્લેન, હોટેલનાં બુકિંગ ઍડ્વાન્સમાં કરી લીધાં - હવે બુકમાયશો પર મૅચની ટિકિટો મળતી થાય એનો ઇન્તેજાર
અમદાવાદમાં ૮ માર્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ ભારત જ રમશે એવો દૃઢ વિશ્વાસ છે મુંબઈના આ ગુજરાતીઓને
એટલે જ અત્યારથી જ આ ક્રિકેટપ્રેમીઓએ જવા-આવવાની-રહેવાની અરેન્જમેન્ટ કરી લીધી છે... પણ ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ન આવી તો?
T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુપર 8નો એક્સાઇટિંગ મુકાબલો થશે. ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા ભારતીય ક્રિકેટચાહકો મોટી સંખ્યામાં આજે સ્ટેડિયમમાં ઊમટશે ત્યારે બીજી તરફ વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ભારતીય ટીમ આવશે એવા આત્મવિશ્વાસ સાથે મુંબઈના ક્રિકેટપ્રેમી ગુજરાતીઓએ અમદાવાદ આવવા માટેની તૈયારી કરી લીધી છે. હજી તો ફાઇનલમાં કઈ બે ટીમ આવશે એ નક્કી થયું નથી, પણ મુંબઈના ઉત્સાહી ક્રિકેટ-લવર્સ પૈકી ઘણાએ પ્લેનની, તો કોઈએ ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી લીધી છે. ઘણાબધાએ હોટેલનું બુકિંગ પણ કરાવી લીધું છે.
ભારતમાં વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ રમાતી હોય અને ફાઇનલ મૅચમાં ભારત આવે તો છેલ્લી ઘડીએ ઍર-ફેર અને હોટેલનાં ભાડાં આકાશને આંબી જતાં હોય છે ત્યારે આ ભાડાં વધી જાય એ પહેલાં જ મુંબઈના અનેક ક્રિકેટ-ફૅન્સે ઍડ્વાન્સમાં ઓછા ભાવે બુકિંગ કરાવી લીધું છે. મુંબઈના ગુજરાતીઓ ફાઇનલ મૅચ માટે અત્યારથી સજ્જ થઈ ગયા છે અને હવે તેમનું કૉન્સન્ટ્રેશન ફાઇનલ મૅચની ટિકિટો ઓપન થાય એના પર છે. માટુંગાની યંગ મેન્સ ક્રિકેટ ટીમના ખેલાડીઓ હોય કે વિલે પાર્લેના મિત્રો હોય કે પછી કાંદિવલીનું કપલ હોય. આ બધાએ સ્ટેડિયમમાં બેસીને ફાઇનલ મૅચ જોવા માટેની તૈયારીઓ કરી લીધી છે.
યંગ મેન્સ ક્રિકેટ ક્લબે કરી લીધું પ્લાનિંગ
માટુંગા, દાદર, મુલુંડ, કાંદિવલી, ચેમ્બુર, ગ્રાન્ટ રોડ સહિતના વિસ્તારોમાં રહેતા ગુજરાતી મિત્રોએ ફાઇનલ મૅચમાં ભારત આવશે જ એવા વિશ્વાસ સાથે અમદાવાદ જવા માટેનું પ્લાનિંગ કરી લીધું છે એની વાત કરતાં બોરીવલીમાં રહેતા જિગર બૌવા ‘મિડ-ડે’ને કહે છે, ‘ભારતીય ટીમનું ફૉર્મ જોરદાર છે. જે રીતે આપણી ટીમ રમી રહી છે એ જોતાં ભારત ફાઇનલમાં આવી જશે. જો ભારત ફાઇનલમાં આવી જાય તો છેલ્લી ઘડીએ અમદાવાદ જવામાં તકલીફ પડે અને ભાડાં પણ બહુ વધી જાય એટલે અમે ૧૦ મિત્રોએ ઍડ્વાન્સમાં ટ્રેનનું બુકિંગ કરાવી લીધું છે. મુંબઈથી સવારે વંદે ભારત ટ્રેનમાં જઈશું, બપોરે અમદાવાદ પહોંચીશુ, જમીશું અને ફાઇનલ મૅચ જોવા જઈશું. મૅચ પૂરી થાય એટલે રાતે દુરૉન્તો ટ્રેનમાં બુકિંગ કરાવી લીધું છે. સવારે મુંબઈ આવી જઈશું અને કામ પર જઈશું એવી રીતે પ્લાનિંગ કરી લીધું છે. બૅગ-બિસ્તરા વિના જ અમદાવાદ આવીશું અને રાતે જ ઘરભેગા થઈ જઈશું. મારી સાથે પીયૂષ શાહ, મનન વોરા, જય મારુ, સચિન શેઠ, પ્રતીક ધરોડ, હિમાંશુ ગાલા, જિગર પાસડ, પ્રણય છાડવા અને અમિત શાહ ફાઇનલ મૅચ જોવા આવશે. અમે બધા માટુંગા જિમખાનામાં સાથે ક્રિકેટ રમીએ છીએ. અમારી યંગ મેન્સ ક્રિકેટ ક્લબ છે. છેલ્લાં પચીસેક વર્ષથી અમે સાથે ક્રિકેટ રમીએ છીએ એટલે મૅચ જોવા પણ સાથે જઈએ છીએ.’
ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ જતાં હવે યંગ મેન્સ ક્રિકેટ ક્લબના આ સભ્યો ફાઇનલ મૅચની ટિકિટ ઓપન થાય એની રાહ જોઈને બેઠા છે એવું જણાવતાં જિગર બૌવા કહે છે ‘૨૦૨૩ની વર્લ્ડ કપની ફાઇનલ મૅચ વખતે ટિકિટની મારામારી હતી એટલે અમે બધા આ વખતે સચેત રહ્યા છીએ. જ્યારે પણ ટાઇમ મળે ત્યારે બુક માય શો પર ચેક કરવાનું બધાને કહીએ છીએ. દિવસમાં એક વાર તો અમે ચેક કરી જ લઈએ છીએ.’
જેટલા પણ ભારતીય ક્રિકેટ-ફૅન્સ હશે તેઓ એવું જ ઇચ્છતા હશે કે ભારતીય ટીમ ફાઇનલમાં રમે, પણ માની લો કે ભારતીય ટીમ ફાઇનલમાં ન આવે તો શું? એના જવાબમાં જિગર બૌવા કહે છે, ‘ભારત ફાઇનલમાં આવશે જ. પણ ન આવ્યું તો ફાઇનલ મૅચ જોવા જવાની ઇચ્છા ઓછી થઈ જશે. ભારત ન હોય તો શું કામ ફાઇનલ મૅચ જોવા અમદાવાદ જઈએ? ટિકિટ બુક થઈ જાય તો કચવાતા મને કદાચ કોઈ બે-ત્રણ જણ અમદાવાદ આવશે, પણ અમે દિલથી ઇચ્છીએ છીએ કે ભારત ફાઇનલમાં રમે.’
લાખ રૂપિયામાં પણ હોટેલની રૂમ ન મળે
વિલે પાર્લે રહેતા અને સાથે ક્રિકેટ રમતા ચાર મિત્રોએ ઍડ્વાન્સમાં ફ્લાઇટ અને હોટેલનું બુકિંગ એટલા માટે કરાવી લીધું કેમ કે ભારત ફાઇનલમાં આવે એટલે પછીથી ભાવ વધી જાય છે. આ મુદ્દે વાત કરતાં વિશાલ મેરવાના ‘મિડ-ડે’ને કહે છે, ‘અમદાવાદમાં રમાનારી ફાઇનલ મૅચ જોવા માટે અમે ૮ મિત્રો આવવાના છીએ. એમાં મારા સહિત અંકુર મહેતા, હર્ષિલ વિઠલાણી અને જિતેન મહેતાએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લીધી છે અને અમદાવાદમાં હોટેલ પણ બુક કરાવી લીધી છે, કારણ કે ૨૦૨૩માં વર્લ્ડ કપની ફાઇનલ મૅચ વખતે છેલ્લી ઘડીએ ફ્લાઇટની ટિકિટ મોંઘી પડી હતી. એના કરતાં અત્યારથી ટિકિટ લઈ લેવી સારી, ઓછા ભાવમાં મળી ગઈ છે. ફાઇનલ મૅચ આવે તો ભાવ વધી જાય છે. હોટેલમાં બે રૂમ બુક કરાવી દીધી છે. જેવું ભારત ફાઇનલમાં આવી જાય એટલે લાખ રૂપિયામાં પણ હોટેલમાં રૂમ નથી મળતી. એનું કારણ એ પણ છે કે ભારતની બહારથી પણ લોકો મૅચ જોવા આવે છે એટલે ભાવ વધી જાય છે. હવે અમે ફાઇનલ મૅચની ટિકિટ મળી જાય એની આશાએ બેઠા છીએ. ફાઇનલ મૅચની ટિકિટ ઓપન થાય એની રાહ જોઈ રહ્યા છીએ.’
ભારતની ટીમ ફાઇનલ સુધી પહોંચશે જ એવી આશા સૌકોઈને છે ત્યારે વિશાલ મેરવાના કહે છે, ‘ભારતીય ટીમ જે ફૉર્મમાં છે એ જોતાં ફાઇનલ મૅચ રમશે જ, પરંતુ જો ભારત ફાઇનલમાં ન આવે તો બુકિંગ કૅન્સલ કરાવી દઈશ. પછી ત્યાં સુધી કોણ મૅચ જોવા જાય? જીવ બળી જાય, પછી કોઈ ન જાય. નાહી નાખવાનું રૂપિયાનું. ખોટું શું કામ બોલવાનું, પણ ભારત ફાઇનલમાં આવશે. ફાઇનલમાં પાકિસ્તાનના આવવાના ચાન્સ ઓછા છે, પરંતુ જો પાકિસ્તાન ફાઇનલમાં આવી જાય અને ફાઇનલ મૅચ શ્રીલંકામાં રમાશે તો શ્રીલંકા પણ જઈશું. ફાઇનલ જોવાનું કન્ફર્મ છે. ઈશાન કિશન મારો ફેવરિટ છે અને તેની ગેમ જોવાની મજા પડે છે. તે ફિયરલેસ છે. તેણે મહેનત કરી છે અને આખું વર્ષ રન કર્યા છે.’
સાળા-બનેવીની જોડી સાથે બીજા મિત્રો પણ અમદાવાદમાં
મુંબઈમાં રહેતા અને ક્રિકેટ રમતા સાળા-બનેવીની જોડી ફાઇનલ મૅચ જોવા અમદાવાદ તો આવી છે, પરંતુ સુપર 8માં ભારત જ્યાં પણ રમવા જશે ત્યાં તેઓ મૅચ જોવા જવાના છે. દાદરમાં રહેતા મનન વોરા અને મુલુંડમાં રહેતા તેમના બનેવી જય મારુ ક્રિકેટના જબરજસ્ત ચાહક છે. આ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં રમાયેલી મૅચ જોવા પણ તેઓ ગયા હતા અને અમદાવાદમાં રમાનારી ફાઇનલ મૅચ જોવા માટેની તૈયારી પણ કરી લીધી છે. મીડિયમ પેસર તરીકે ક્રિકેટ રમતા મનન વોરા ‘મિડ-ડે’ને કહે છે, ‘હું અને મારા બનેવી જય મારુ ફાઇનલ મૅચ જોવા અમદાવાદ જવાના છીએ. આજે પણ સાઉથ આફ્રિકા સાથે રમાનારી મૅચ જોવા અમદાવાદ આવ્યા છીએ. અમારા બિલ્ડિંગ આઇલૅન્ડ સિટી સેન્ટરમાં રહેતા મિત્રો જેનિત જૈન, મીનેશ અદાણી, વૈભવ તેલીસરા, અંશ મોદી, આયુ મોદી અને યજ્ઞ અગ્રવાલ પણ અમારી સાથે આજની મૅચ જોવા આવ્યા છે. ભારતની જેટલી પણ સુપર 8ની મૅચ છે એ જોવા માટે હું અને મારા બનેવી અમદાવાદ ઉપરાંત ચેન્નઈ અને કલકત્તા પણ ભારતીય ટીમને સપોર્ટ કરવા જવાના છીએ. આ તમામ જગ્યાએ જવા માટે ફ્લાઇટ, સ્ટે અને મૅચની ટિકિટ બુક થઈ ગઈ છે. એ ઉપરાંત સેમી-
ફાઇનલ અને ફાઇનલમાં ભારત આવી જશે એટલે એ મૅચ પણ જોવા જવાના છીએ. અમદાવાદમાં રમાનારી ફાઇનલ મૅચ માટે આવવા-જવાની ટ્રેનનું બુકિંગ પણ થઈ ગયું છે.’
જો ભારત ફાઇનલ મૅચમાં ન આવી શક્યું તો શું અને જો પાકિસ્તાન સામે ફાઇનલ મૅચ રમાય તો શ્રીલંકા જશો? એના ઉત્તરમાં મનન વોરા કહે છે, ‘આશા છે કે ભારત ફાઇનલમાં આવશે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો ન આવે તો અમે ટિકિટ કૅન્સલ કરાવી દઈશું, પણ જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મૅચ આવે તો અમે શ્રીલંકા મૅચ જોવા જઈશું. એની તૈયારી પણ છે. ત્યાં જઈને ભારતીય ટીમને સપોર્ટ કરીશું.’
સાળા-બનેવી એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને સાથે ક્રિકેટ પણ રમે છે. વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે ક્રિકેટ રમતો જય મારુ આ મુદ્દે ‘મિડ-ડે’ને કહે છે, ‘હું અને મનન સાથે જ ક્રિકેટ રમીએ છીએ. અમે એકબીજાને લગ્ન પહેલાંથી જ ઓળખીએ છીએ અને મૅચ જોવા પણ સાથે જઈએ છીએ. એટલે અમારી વચ્ચે સારું બૉન્ડિંગ છે. T20 વર્લ્ડ કપની હવે પછીની ભારતની તમામ મૅચો અમે સાથે જોવા જવાના છીએ અને એની તૈયારી કરી લીધી છે.’
કાંદિવલીનું ક્રિકેટ-ક્રેઝી કપલ
કાંદિવલીમાં રહેતાં ઉર્વી અને દર્શક ત્રિવેદી ક્રિકેટ-ક્રેઝી છે. અમદાવાદમાં ફાઇનલ મૅચ રમાવાની છે એને માટે અત્યારથી ટ્રેન અને હોટેલનું બુકિંગ કરાવી લીધું છે એ વિશે વાત કરતાં દર્શક ત્રિવેદી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમદાવાદમાં ફાઇનલ મૅચ જોવા માટે મેં અને ઉર્વીએ ટ્રેન અને હોટેલનું બુકિંગ કરાવી લીધું છે, કેમ કે ભારત ફાઇનલમાં આવે તો ભાડાં વધી જાય છે. એના કરતાં ઍડ્વાન્સમાં બુકિંગ કરાવી દેવું સારું જેથી સમયસર બુકિંગ થઈ જાય. હવે અમે વેઇટ કરીએ છીએ ફાઇનલ મૅચની ટિકિટની. ફાઇનલ મૅચની ટિકિટો ક્યારે ઓપન થશે એની ખબર નથી પણ અમે ઇચ્છીએ છીએ કે અમને ફાઇનલની ટિકિટ મળી જાય.’
કાંદિવલીનો ટીનેજર અમદાવાદમાં
કાંદિવલીમાં રહેતો અને બારમા ધોરણમાં સાયન્સમાં ભણતો ૧૭ વર્ષનો આર્યમન શેઠ આજે મૅચ જોવા અમદાવાદ પહોંચી ગયો છે. આર્યમન ‘મિડ-ડે’ને કહે છે, ‘હાલમાં મારી મેઇન ચાર સબ્જેક્ટની એક્ઝામ પૂરી થઈ છે. એક્ઝામથી કંટાળ્યો હતો અને બ્રેક જોઈતો હતો એટલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ જોવા અમદાવાદ આવ્યો છું. હવે મારી બે એક્ઝામ બાકી છે જે ૪ માર્ચ અને ૧૨થી ૧૪ માર્ચ વચ્ચે લેવાશે એટલે મૅચ જોઈને ફ્રેશ થઈ જઈશ. હું હાર્દિક પંડ્યાને મેદાનમાં રમતો જોવા માગતો હતો એટલે અમદાવાદ આવી એ ઇચ્છા મેં પૂરી કરી. સાથે-સાથે ભારતીય ટીમને ચિયરઅપ કરીશ. મેં મારા પપ્પા સચિન શેઠ સાથે ફાઇનલ મૅચ જોવા અમદાવાદ જવાનું પ્લાનિંગ કરી લીધું હતું.’