04 November, 2026 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વન-ડે વર્લ્ડ કપ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આગામી વન-ડે વર્લ્ડ કપ 2027 માટે રસપ્રદ જાહેરાત કરી છે. વર્લ્ડ કપની મૅચો માટે બૅલટ એટલે કે ટિકિટ માટેની અરજીપ્રક્રિયા ૨૧ નવેમ્બરે બંધ થાય એ પહેલાં ૧૨ કરોડ લોકોએ અરજી કરીને ઐતિહાસિક ટુર્નામેન્ટનો ભાગ બનવાની તક સુરક્ષિત કરી લીધી છે. ટિકિટ-બુકિંગ શરૂ થાય ત્યારે બૅલટ માટે સફળ અરજી કરનારને ખરીદી માટે ઝડપથી તક મળે છે.
સાઉથ આફ્રિકામાં યોજાનારી ૪૧ મૅચો માટે ૧૦.૫ કરોડથી વધુ અરજીઓ મળી છે. ઝિમ્બાબ્વેમાં આયોજિત મૅચો માટે ૧.૩ કરોડ અને નામિબિયામાં રમાનારી મૅચો માટે ૨૦ લાખથી વધુ અરજીઓ મળી છે. જોહનિસબર્ગમાં ૧૦ ઑક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ માટે ફાઇનલ મૅચની જેમ ૮૦ લાખથી વધુ ટિકિટ-અરજીઓ આવી છે. ૧૯૩ દેશોના ૨૮ લાખ લોકોએ આ ઇવેન્ટનો ભાગ બનવા માટે નોંધણી કરાવી છે. માત્ર આફ્રિકન ખંડમાંથી જ ૧.૪૯ કરોડથી વધુ ટિકિટ-અરજીઓ પ્રાપ્ત થઈ છે.