ત્રિકોણીય T20 સિરીઝની ફાઇનલ માટે શ્રીલંકાએ આજે જીતવું પડશે, નહીં તો ઝિમ્બાબ્વેને મળશે એન્ટ્રી

27 November, 2025 09:43 AM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન પોતાની ત્રણેય મૅચ જીતીને પહેલેથી જ ફાઇનલમાં છે, પરંતુ બીજી ફાઇનલિસ્ટ ટીમ આજે નક્કી થશે

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં આયોજિત ત્રિકોણીય T20 સિરીઝમાં મંગળવારે શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને નવ વિકેટે હરાવીને પોતાની પહેલી જીત નોંધાવી હતી. ઝિમ્બાબ્વેએ પાંચ વિકેટ ગુમાવીને ૧૪૬ રન કર્યા હતા. શ્રીલંકાએ પથુમ નિસાન્કાની ૫૮ બૉલમાં ૯૮ રનની અણનમ ઇનિંગ્સના આધારે ૧૬.૨ ઓવરમાં એક વિકેટ ગુમાવી ૧૪૮ રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

પાકિસ્તાન પોતાની ત્રણેય મૅચ જીતીને પહેલેથી જ ફાઇનલમાં છે, પરંતુ બીજી ફાઇનલિસ્ટ ટીમ આજે નક્કી થશે. ઝિમ્બાબ્વે એક જીતને કારણે બે પૉઇન્ટ અને -૦.૫૨૨ના નેટ રનરેટ સાથે બીજા ક્રમે છે, જ્યારે શ્રીલંકા બે પૉઇન્ટ અને -૧.૩૨૪ના નેટ રનરેટ સાથે ત્રીજા ક્રમે છે. આજે સિરીઝની અંતિમ મૅચમાં પાકિસ્તાનને હરાવીને શ્રીલંકા ચાર પૉઇન્ટ સાથે ફાઇનલમાં એન્ટ્રી મેળવી શકશે. આજે શ્રીલંકાની હારથી ઝિમ્બાબ્વેને સારા નેટ રનરેટને કારણે ફાઇનલ રમવાની તક મળશે. 

શ્રીલંકાનો નંબર-વન T20 બૅટર બન્યો પથુમ નિસાન્કા

શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાએ ઝિમ્બાબ્વે સામે ૫૮ બૉલમાં ૧૧ ફોર અને ૪ સિક્સની મદદથી ૯૮ રન ફટકાર્યા હતા. આ ધમાકેદાર ઇનિંગ્સ રમીને તે શ્રીલંકાનો નંબર વન T20 ઇન્ટરનૅશનલ બૅટર બની ગયો છે. તેણે દેશ માટે ૭૭ T20 મૅચમાં એક સદી અને ૧૮ ફિફ્ટીના આધારે ૨૩૨૬ રન ફટકાર્યા છે. ૨૭ વર્ષના આ ક્રિકેટરે શ્રીલંકા માટે આ ફૉર્મેટમાં ૧૯મી વખત ૫૦ પ્લસ રનનો સ્કોર કરીને કુસલ પરેરાએ ૯૧ મૅચમાં ફટકારેલા ૨૩૦૫ રનનો હાઇએસ્ટ રેકૉર્ડ તોડ્યો હતો.

sri lanka pakistan zimbabwe wt20 world t20 t20 international t20 cricket news sports sports news