22 December, 2025 11:32 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
વિજેતા ટીમ
ગઈ કાલે UAEના દુબઈ ખાતે અન્ડર-19 ઍશિયા કપ ફાઇનલમાં ભારતને ૧૯૧ રનના વિશાળ માર્જિનથી હરાવીને પાકિસ્તાન ચૅમ્પિયન બન્યું હતું. આ પહેલાં ભારત સામે ૨૦૧૨ની ફાઇનલ ટાઇ કરી પાકિસ્તાન સંયુક્ત વિજેતા બન્યું હતું અને ૨૦૧૩-’૧૪ની ફાઇનલમાં હાર્યું હતું. પોતાની ચોથી એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાને જીત મેળવીને પહેલી વખત ટ્રોફી ઉપાડી છે. પાકિસ્તાને ટૉસ હારીને ૮ વિકેટે ૩૪૭ રન કર્યા હતા. જવાબમાં ભારત ૨૬.૨ ઓવરમાં ૧૫૬ રને ઑલઆઉટ થઈ ગયું હતું.
ગઈ કાલે પાકિસ્તાન માટે હાઇએસ્ટ ૧૭૨ રન ફટકારનાર સમીર મિન્હાસ ૪૭૧ રન સાથે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ પણ જીત્યો હતો. ફાસ્ટ બોલર દીપેશ દેવેન્દ્રને ગઈ કાલે રેકૉર્ડ ૮૩ રન આપી દીધા હતા. તે ગઈ કાલની ૩ વિકેટ સહિત ટોટલ ૧૪ વિકેટ સાથે વર્તમાન સીઝનનો નંબર વન બોલર બન્યો હતો. બૅટિંગ દરમ્યાન તેના તરફથી ૧૬ બૉલમાં ૩૬ રન જોવા મળ્યા જે ભારતની ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર હતો. આયુષ મ્હાત્રેને ૭ બૉલમાં બે રન અને વૈભવ સૂર્યવંશીને ૧૦ બૉલમાં ૨૬ રનના સ્કોર પર કૅચઆઉટ કરનાર ફાસ્ટ બોલર અલી રઝાએ સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.
૨૦૨૫માં ભારત-પાકિસ્તાનની સિનિયર મેન્સ-વિમેન્સ, બ્લાઇન્ડ વિમેન્સ, રાઇઝિંગ સ્ટાર અને અન્ડર-19 રમતોમાં ૮ વખત ટક્કર થઈ છે. એમાંથી ભારતને રાઇઝિંગ સ્ટાર એશિયા કપના ગ્રુપ-સ્ટેજમાં અને ગઈ કાલે અન્ડર-19 એશિયા કપની ફાઇનલમાં જ પાકિસ્તાન સામે હાર મળી હતી.
મૅચ દરમ્યાન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી સાથે તકરાર કરનાર પાકિસ્તાની પ્લેયર્સ વિજેતા બન્યા બાદ પણ ભારતીય ટીમને ચીડવતા જોવા મળ્યા હતા. ટ્રોફી જીત્યા બાદ પાકિસ્તાની પ્લેયર્સે દુબઈના મેદાન પર ‘ધુરંધર’ મૂવીના ફેમસ સૉન્ગ FA9LA પર ડાન્સ કરીને રીલ બનાવી હતી. ભારતીય સિનિયર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની ફેમસ રીલ ‘પ્રેશર? વૉટ પ્રેશર?’ની હૂબહૂ નકલ તેમણે કરી હતી. આ બન્ને સેલિબ્રેશનનો વિડિયો એશિયન ક્રિકેટ કાઉન્સિલે પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.
અન્ડર-19 એશિયા કપમાં સતત બીજી વખત ફાઇનલ હારનાર ૮ વખતની ચૅમ્પિયન ટીમ ભારતના પ્લેયર્સે સ્ટેજની નીચેથી જ પોતાનો રનર-અપનો મેડલ લીધો હતો, કારણ કે સ્ટેજ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પાકિસ્તાની મોહસિન નકવી હાજર હતા. ભારતીય પ્લેયર્સે સ્ટેજની નીચેથી ICC અધિકારી પાસેથી મેડલ સ્વીકાર્યા હતા. મોહસિન નકવી સ્ટેજ પર પાકિસ્તાની પ્લેયર્સને વિજેતાના મેડલ આપવાની સાથે આખી ટીમ સાથે ટ્રોફી-સેલિબ્રેશનમાં પણ જોડાયા હતા.