01 February, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ બોર્ડે આ વિડિયો-કૉલ સમયના ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે
ઝિમ્બાબ્વે અને નામિબિયામાં અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ રમવા ગયેલી ભારતીય ટીમને હાલમાં માસ્ટર બ્લાસ્ટરનું માર્ગદર્શન મળ્યું છે. પાકિસ્તાન સામેની સુપર સિક્સ સ્ટેજની મહત્ત્વપૂર્ણ ટક્કર પહેલાં સચિન તેન્ડુલકરે આયુષ મ્હાત્રે ઍૅન્ડ કંપની સાથે વિડિયો-કૉલ દ્વારા વાત કરી હતી. BCCIના સેન્ટર ઑફ એક્સલન્સના હેડ વી. વી. એસ. લક્ષ્મણ પણ આ કૉલ દરમ્યાન ભારતીય ટીમ સાથે હાજર રહ્યા હતા.
ક્રિકેટ બોર્ડે આ વિડિયો-કૉલ સમયના ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ‘આ એક મૂલ્યવાન અનુભવ હતો જેણે આવનારી પેઢીને સતત બદલાતી રમતમાં સફળ થવા અને ટકી રહેવા માટે શું જરૂરી છે એ વિશે સમજ અને દૃષ્ટિકોણ પૂરાં પાડ્યાં. આ વાતચીત ફક્ત ટેક્નિકલ કૌશલ્ય અને ફિટ રહેવા માટે નહોતી પરંતુ સફળતા માટે ધ્યાનકેન્દ્રિત, શિસ્તબદ્ધ, નમ્ર અને મજબૂત રહેવા વિશે પણ મહત્ત્વની હતી.’
અન્ડર-19 વર્લ્ડ કપના સુપર સિક્સ ગ્રુપ Aમાં ટૉચની ટીમ બનીને ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન, જ્યારે ગ્રુપ Bમાં ઇંગ્લૅન્ડે સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. સેમી ફાઇનલના અંતિમ સ્પૉટ માટે આજે ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. સુપર સિક્સ સ્ટેજની આ અંતિમ મૅચ પણ છે. ગ્રુપ Bમાં ભારત ૬ પૉઇન્ટ સાથે બીજા ક્રમે અને પાકિસ્તાન ૪ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ૩.૩૩૭ નેટ રનરેટ ધરાવતી ભારતીય ટીમ જીત સાથે ગ્રુપટૉપર બનીને સેમી ફાઇનલમાં એન્ટ્રી મારશે. હાર છતાં પાકિસ્તાનથી સારો નેટ રનરેટ હોવાથી ભારતીય ટીમ આગળ વધશે. પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા માટે ૩૦૦ રન કરીને ૮૫ કે એથી વધુ રન સાથે જીત મેળવવી પડશે અથવા ૩૦૦+ રનનો ટાર્ગેટ ૩૫ ઓવરની અંદર ચેઝ કરવો પડશે, તો જ પાકિસ્તાની ટીમ ૬ પૉઇન્ટ કરીને ભારત કરતાં સારો નેટ રનરેટ કરી સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી શકશે.