12 December, 2025 01:06 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
અન્ડર-19 મેન્સ વન-ડે એશિયા કપની ટ્રોફી સાથે તમામ ટીમોના કૅપ્ટને ફોટોશૂટ કરાવ્યું હતું
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં આજથી ૨૧ ડિસેમ્બર સુધી અન્ડર-19 મેન્સ વન-ડે એશિયા કપ 2025 રમાશે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, મલેશિયા અને UAE જ્યારે ગ્રુપ Bમાં બંગલાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાલની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૭ ડિસેમ્બર સુધી ગ્રુપ-સ્ટેજની મૅચ રમાશે. ૧૯ ડિસેમ્બરે બન્ને ગ્રુપની ટૉપ-ટૂ ટીમ સેમી ફાઇનલ રમવા ઊતરશે.
આજે ભારત-UAE અને પાકિસ્તાન-મલેશિયાની મૅચથી ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ થશે. ભારત ૧૪ ડિસેમ્બરે પાકિસ્તાન અને ૧૬ ડિસેમ્બરે મલેશિયા સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર તમામ મૅચ સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થશે. મુંબઈના આયુષ મ્હાત્રેના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમમાં ૧૪ વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ રમતો જોવા મળશે.
૧૯૮૯થી રમાતી આ ૫૦-૫૦ ઓવરની ટુર્નામેન્ટમાં ભારત સૌથી વધુ ૮ ટાઇટલ જીત્યું છે. બંગલાદેશ આ લિસ્ટમાં બીજા ક્રમે છે જેણે સતત બે ટાઇટલ જીત્યાં છે. ૨૦૨૪માં ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન બંગલાદેશ સામે જ પહેલી વખત ફાઇનલ હાર્યું હતું.