02 February, 2026 12:05 PM IST | Bulawayo | Gujarati Mid-day Correspondent
અમદાવાદના ક્રિકેટર વેદાંત ત્રિવેદીએ ૯૮ બૉલમાં ૬૮ રન કર્યા હતા
ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આયોજિત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026ની અંતિમ સુપર સિક્સ રાઉન્ડની મૅચ પાકિસ્તાન સામે જીતીને સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. અમદાવાદના વેદાંત ત્રિવેદીની ફિફ્ટીના આધારે ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં પાકિસ્તાની ટીમ ૪૬.૨ ઓવરમાં ૧૯૪-૧૦નો સ્કોર કરીને ૫૮ રને હારી ગઈ હતી. સુપર સિક્સ ગ્રુપ-ટૂમાં ઇંગ્લૅન્ડની જેમ ૮-૮ પૉઇન્ટ મેળવવા છતાં અંગ્રેજ ટીમના ૧.૭૫૭ના નેટ રનરેટ કરતાં સારા ૨.૫૮૫ના આંકડાને કારણે ટીમ ઇન્ડિયા નંબર-વન બની હતી.
સ્ટાર પ્લેયર વૈભવ સૂર્યવંશી બાવીસ બૉલમાં ૩૦ રન અને કૅપ્ટન આયુષ મ્હાત્રે બે બૉલમાં ઝીરો રન કરીને ફ્લોપ રહ્યા હતા. એ સમયે અમદાવાદના ક્રિકેટર વેદાંત ત્રિવેદીએ ૯૮ બૉલમાં બે ફોર અને એક સિક્સની મદદથી ૬૮ રન ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. પાકિસ્તાનના ફાસ્ટ બોલર અબ્દુલ શુભાને માત્ર ૩૩ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સૈયમે ૬૯ રન આપીને વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેને એક જ ઓવરમાં વિકેટકીપર પાસે કૅચ આઉટ કરાવ્યા હતા.
કિસ્તાન તરફથી ત્રીજા ક્રમે રમીને ઉસ્માન ખાને ૯૨ બૉલમાં ૬૬ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ભારત માટે મોડાસાના ફાસ્ટ બોલર ખીલન પટેલે ૩૫ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. મુંબઈકર આયુષ મ્હાત્રેએ સ્પિનર તરીકે બૉલ પર હાથ અજમાવીને ૮ ઓવરમાં ૨૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી.