એશિયા કપ પહેલાં રિન્કુ સિંહે પોતાની T20 કરીઅરની પહેલી સદી ફટકારી

23 August, 2025 05:31 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન તરીકે ૨૨૫ના સ્ટ્રાઇકથી બૅટિંગ કરીને ૪૮ બૉલમાં ૧૦૮ રન ફટકારી ટીમને જીત અપાવી. આ ઇનિંગ્સથી તેણે ટીમ મૅનેજમેન્ટને સંદેશ મોકલ્યો છે કે તે કોઈ પણ ક્રમે બૅટિંગ કરવા સક્ષમ છે.

રિંકુ સિંહ

ઉત્તર પ્રદેશ પ્રીમિયર લીગ 2025ની નવમી મૅચમાં ગૌર ગોરખાપુર લાયન્સે નવ વિકેટ ગુમાવીને આપેલા ૧૬૮ રનના ટાર્ગેટને મેરઠ મૅવરિક્સે ૧૮.૫ ઓવરમાં ચાર વિકેટના નુકસાન સાથે ચેઝ કરી લીધો હતો. ૬ વિકેટથી મળેલી આ જીતમાં કૅપ્ટન રિન્કુ સિંહે ૪૮ બૉલમાં ૧૦૮ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આગામી T20 એશિયા કપ પહેલાં રિન્કુએ પોતાની T20 કરીઅરની પહેલવહેલી સદી ફટકારી છે.

૮ ઓવરમાં જ્યારે ટીમે ૩૮ રન પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે રિન્કુએ પાંચમા ક્રમે આવીને ૨૨૫ના સ્ટ્રાઇક-રેટથી આ મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. મૅચમાં સાત ફોર અને ૮ સિક્સર ફટકારનાર રિન્કુએ ટીમની ઇનિંગ્સની અંતિમ બે ઓવર્સમાં બે ફોર અને પાંચ સિક્સર ફટકારીને રન-ચેઝ સરળ બનાવી હતી. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ સ્ક્વૉડમાં સ્થાન ન મેળવી શકનાર રિન્કુને T20 એશિયા કપ 2025ની સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. આ ઇનિંગ્સથી તેણે ટીમ મૅનેજમેન્ટને સંદેશ મોકલ્યો છે કે તે કોઈ પણ ક્રમે બૅટિંગ કરવા સક્ષમ છે. એશિયા કપમાં પોતાના પ્રદર્શનના આધારે ૨૭ વર્ષનો રિન્કુ T20 વર્લ્ડ કપ 2026માં પોતાનું સ્થાન પાકું કરી શકશે.

uttar pradesh national news sports news sports cricket news rinku singh asia cup meerut