01 January, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરફરાઝ ખાને ૭૫ બૉલમાં ૯ ફોર અને ૧૪ સિક્સ સાથે આક્રમક ૧૫૭ રન કર્યા હતા
ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈએ તેમનો વિજયરથ જાળવી રાખતાં સતત ચોથી જીત મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન ઑલમોસ્ટ પાકું કરી લીધું છે. મુંબઈની આ શાનદાર જીતનો હીરો હતો સરફરાઝ ખાન. સરફરાઝે ફૉર્મ જાળવી રાખતાં ૭૫ બૉલમાં ૧૪ સિક્સર અને ૯ ફોર સાથે ૧૫૭ રનની દમદાર ઇનિંગ્સ રમીને ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ માટે સિલેક્ટરોનું ધ્યાન ખેંચ્યું હતું. સરફરાઝે ૫૬ બૉલમાં સદી પૂરી કરી હતી.
સરફરાઝના ભાઈ મુશીર ખાનના ૬૦ અને વિકેટકીપર બૅટર હાર્દિક તમોરેના ૫૩ રનની ઉપયોગી ઇનિંગ્સના જોરે મુંબઈએ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૪૪૪ રન ખડકી દીધા હતા. ગોવાએ પણ થોડોઘણો પ્રતિકાર કર્યો હતો પણ તેઓ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૫૭ રન બનાવી શક્યા હતા અને મુંબઈએ ૮૭ રનથી ટુર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી હતી. પેટની તકલીફને લીધે શરૂઆતની મૅચ ગુમાવનાર યશસ્વી જાયસવાલ ૬૪ બૉલમાં ૪૬ રન બનાવી શક્યો હતો.
સરફરાઝે વિજય હઝારે ટ્રોફીની અત્યાર સુધીની ચાર મૅચની ત્રણ ઇનિંગ્સમાં એક ફિફ્ટી અને એક સદી ફટકારી છે. તાજેતરમાં યોજાયેલા IPL ઑક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ CSKએ સરફરાઝને તેની બેઝ પ્રાઇઝ ૭૫ લાખમાં ખરીદી લીધો હતો. સરફરાઝનું ફૉર્મ જોતાં CSK મૅનેજમેન્ટ ખુશ હશે.