ઑસ્ટ્રેલિયા સામે વન-ડેમાં સચિન તેન્ડુલકર બાદ નંબર-ટૂ બૅટર બનવા રોહિત અને વિરાટ વચ્ચે જામશે જંગ

17 October, 2025 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેએ ઑસ્ટ્રેલિયામાં ઑલમોસ્ટ એકસરખા રન કર્યા છે

ફાઇલ તસવીર

વિરાટ કોહલી અને રોહિત શર્મા આગામી ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. ત્રણ મૅચની આ વન-ડે સિરીઝથી બન્નેની ઇન્ટરનૅશનલ કરીઅરનું ભવિષ્ય પણ નક્કી થશે. જોકે વિરાટ કોહલીએ લંડનમાં અને રોહિત શર્માએ મુંબઈમાં પોતાની ફિટનેસ અને ક્રિકેટ માટે સખત મહેનત કરીને જબરદસ્ત વાપસીની તૈયારી કરી છે.

સચિનના રેકૉર્ડથી ૭૦૦ રન દૂર

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડેના ઇતિહાસમાં સચિન તેન્ડુલકરે ૭૧ મૅચમાં હાઇએસ્ટ ૩૦૭૭ રન કર્યા છે. વિરાટ કોહલી આ લિસ્ટમાં ૫૦ વન-ડેમાં ૨૪૫૧ રન સાથે બીજા ક્રમે છે, જ્યારે રોહિત શર્મા ૪૬ મૅચમાં ૨૪૦૭ રન સાથે ત્રીજા ક્રમે છે. વિશ્વના તમામ બૅટર્સ વચ્ચે કાંગારૂઓ સામે હાઇએસ્ટ વન-ડે રન ફટકારનારાઓના લિસ્ટમાં આ ત્રણેય ટૉપ-થ્રીમાં સામેલ છે. માસ્ટર બ્લાસ્ટરનો હાઇએસ્ટ રનનો રેકૉર્ડ તોડવા કોહલીને ૬૨૭ રન અને રોહિતને ૬૭૧ રનની જરૂર છે. જોકે ત્રણ મૅચની સિરીઝમાં આ રેકૉર્ડ તોડવો લગભગ અશક્ય હશે. એટલે કે બન્ને વચ્ચે નંબર-ટૂ બૅટર બનવા માટેનો એ જંગ હશે.

આ‌ૅસ્ટ્રેલિયામાં વન-ડેમાં સરખા રન

ઑસ્ટ્રેલિયામાં વન-ડે ફૉર્મેટમાં રોહિતે ૩૦ ઇનિંગ્સમાં ૧૩૨૮ રન કર્યા છે, જ્યારે વિરાટે ૨૯ ઇનિંગ્સમાં ૧૩૨૭ રન કર્યા છે. રોહિતે ચાર અને વિરાટે ૬ ફિફટી ફટકારી છે. જ્યારે બન્નેએ કાંગારૂઓની ધરતી પર પાંચ-પાંચ વન-ડે સદી કરી છે. સચિને ઑસ્ટ્રેલિયામાં ૪૬ ઇનિંગ્સમાં એક સદી અને ૧૦ ફિફ્ટીના આધારે ૧૪૯૧ રન કર્યા છે. ૧૬૪-૧૬૫ રન કરીને રોહિત-વિરાટ આ રેકૉર્ડ તોડી શકે છે.
બન્ને દેશની વન-ડે સિરીઝમાં સચિન તેન્ડુકરે ૯ સદી કરી છે. ૮-૮ સદી સાથે રોહિત-વિરાટ બીજા ક્રમે છે. બન્નેને રેકૉર્ડ તોડવા બે સદીની જરૂર છે.

કિંગ કોહલીના ટાર્ગેટમાં છે આ માઇલસ્ટોન

વિદેશી ધરતી પર ૩૦ ઇન્ટરનૅશનલ સદી ફટકારનાર એકમાત્ર બૅટર બનવાથી એક સદી દૂર છે.

વન-ડેમાં સફળ રનચેઝમાં ૬૦૦૦ રન કરનાર પહેલો ક્રિકેટર બનવાથી માત્ર બે રન દૂર છે.

વન-ડે ઇતિહાસમાં સૌથી વધુ રન કરનાર નંબર-ટૂ બૅટર બનવાથી ૫૪ રન દૂર છે.

લિમિટેડ ઓવર્સની બન્ને ફૉર્મેટમાં મળીને હાઇએસ્ટ ૧૮,૪૩૬ રનનો સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડવાથી ૬૮ રન પાછળ છે.

ક્રિકેટના એક ફૉર્મેટમાં હાઇએસ્ટ સદીનો રેકૉર્ડ કરવાથી એક સદી દૂર છે. ટેસ્ટ-ફૉર્મેટમાં સચિને અને વન-ડેમાં વિરાટે ૫૧ સદી કરી છે.

ફાસ્ટેસ્ટ ૨૮,૦૦૦ ઇન્ટરનૅશનલ રન કરનાર બૅટર બનવા માટે તેણે આગામી ૨૬ ઇનિંગ્સમાં ૪૦૧ રન કરવા પડશે.

virat kohli rohit sharma sachin tendulkar australia india indian cricket team team india cricket news sports sports news