12 May, 2025 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલી (તસવીર સૌજન્ય વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધાના થોડાક જ દિવસમાં દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ફૉર્મેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. આ વાતની ચર્ચા છેલ્લા ઘણાં દિવસથી થઈ રહી હતી પણ હવે આ બાબતે વિરાટ કોહલીએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને ખુલાસો કરી દીધો છે કે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.
છેલ્લા કેટલાક દિવસથી અનેક મીડિયા રિપૉર્ટ્સમાં વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના સંદર્ભે BCCI સાથેની વાતચીતની ચર્ચા થઈ રહી હતી. પણ હવે વિરાટ કોહલીએ આ બધી જ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા એ સ્પષ્ટ કરી દીધું છે કે તેણે BCCIની વાત ન માનીને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૩૬ વર્ષીય વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની સિરીઝમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ સિરીઝની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી, પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો. કોહલીનો નિવૃત્તિનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સિલેક્ટર્સ આવતા મહિને ઇંગ્લેન્ડમાં યોજાનારી 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે થોડા દિવસોમાં ટીમની પસંદગી કરવાના હતા. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ T20 ફોર્મેટ પહેલા જ નિવૃત્તિ લઈ લીધી હતી. હવે તે વનડેમાં રમતો જોવા મળશે.
વિરાટ કોહલીએ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યો હતો. ત્યારબાદ કોહલીએ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા. તેમની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા.
કિંગ કોહલીના ટેસ્ટ ક્રિકેટ કરિઅરની વાત કરીએ તો તેણે ૧૨૩ ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 46.85ની એવરેજથી 9230 રન બનાવ્યા. કોહલીએ ટેસ્ટમાં 30 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરી ફટકારી છે.
વિરાટ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી. તેણે કહ્યું, `ટેસ્ટ ક્રિકેટમાં મેં પહેલીવાર બ્લુ જર્સી પહેરી તેને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને ક્યાં લઈ જશે. આ ફૉર્મેટે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. સફેદ રંગની જર્સીમાં રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત, મહેનતી, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ તે હંમેશા તમારી સાથે રહે છે.
કોહલીએ આગળ કહ્યું, `જ્યારે હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, ત્યારે તે સરળ નથી - પણ તે યોગ્ય લાગે છે.` મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને આ ફૉર્મેટે મને મારી અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. હું રમત માટે, મેદાન પરના લોકો માટે અને આ સફરમાં મને ટેકો આપનારા દરેક વ્યક્તિ માટે કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે વિદાય લઈ રહ્યો છું. હું હંમેશા મારી ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ.
જાણો કેવો રહ્યો કેપ્ટનશીપ રેકૉર્ડ
વિરાટ ટેસ્ટ ઇતિહાસમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. વિરાટે 68 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું જેમાંથી ટીમે 40 મેચ જીતી હતી. જ્યારે કોહલીએ કેપ્ટનશીપ સંભાળી ત્યારે ભારતીય ટીમ સાતમા સ્થાને હતી. પરંતુ પોતાની અને તેના સાથી ખેલાડીઓની મહેનતને કારણે, કોહલી વિશ્વના નંબર-1 સ્થાન પર પહોંચ્યો.
વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
૧૨૩ ટેસ્ટ, ૨૧૦ ઇનિંગ્સ, ૯૨૩૦ રન, ૪૬.૮૫ સરેરાશ, ૩૦ સેન્ચુરી, ૩૧ હાફ સેન્ચુરી
૩૦૨ વનડે, ૨૯૦ ઇનિંગ્સ, ૧૪૧૮૧ રન, ૫૭.૮૮ સરેરાશ, ૫૧ સેન્ચુરી, ૭૪ હાફ સેન્ચુરી
૧૨૫ ટી-૨૦, ૧૧૭ ઇનિંગ્સ, ૪૧૮૮ રન, ૪૮.૬૯ સરેરાશ, ૧ સેન્ચુરી, ૩૮ હાફ સેન્ચુરી